અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) ના વિદ્યાર્થીઓ સતત નવો ઈતિહાસ લખી રહ્યા છે. પ્રતિભાશાળી પણ આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ મફત, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી દેશ-દુનિયામાં નવી ઓળખ ઉભી કરી રહ્યા છે. 2025ની CBSE ધોરણ 12 ની પરીક્ષાઓમાં 97.8% જેટલા ઉચ્ચ સ્કોર અને 100% પરિણામ હાંસલ કરી વિદ્યાર્થીઓએ ન માત્ર ચમત્કાર સર્જ્યા છે, પરંતુ વિપરીત પરિસ્થિતીઓનો સામનો કરી ઉજ્વળ ભવિષ્ય માટેની કેડી કંડારી છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરતા કહ્યું, “કોઈ ફી નહીં! કોઈ મર્યાદા નહીં! 100% CBSE પરિણામો સાથે ભારતની ટોચની શાળાઓમાં સ્થાન મેળવતી AVMAએ સાબિત કર્યુ છે કે જ્યારે વિશ્વાસને તક મળે છે, ત્યારે ચમત્કાર સર્જાય છે! સ્વર્ણિમ સફળતા હાંસલ કરનારા આ સિતારાઓની વાત ઉડીને આંખે વળગે તેવી છે.
રત્નકલાકારનું રતન! ઓલરાઉન્ડર માર્મી
અદાણી વિદ્યામંદિર અમદાવાદની માર્મી જગાણીએ CBSE ધોરણ X બોર્ડની પરીક્ષામાં 97% ગુણાંક મેળવી સ્વર્ણિમ સફળતા હાંસલ કરી છે. વળી એથ્લેટિક્સમાં રાજ્ય સ્તરે શાળાનું પ્રતિનિધિત્વ કરી રમતગમત પ્રત્યેના જુસ્સાને ઉજાગર કર્યો છે. આર્થિક પડકારોનો સામનો કરી રહેલા પરિવારમાંથી આવતી માર્મીએ શિક્ષણ અને એથ્લેટિક્સ બંને ક્ષેત્રે નામ રોશન કર્યુ છે. રત્નકલાકાર પિતાની પૂત્રીએ સટીક માર્ગદર્શન અને સખત મહેનતના જોરે સાચા અર્થમાં ઓલરાઉન્ડર હોવાનું પ્રેરક ઉદાહરણ પુરુ પાડ્યું છે.
સિક્યોરિટી ગાર્ડનો આદિત્ય ‘સોનાનો સુરજ’
AVMAના વિદ્યાર્થી આદિત્ય પરમારે ધોરણ X બોર્ડ પરીક્ષામાં 95.4% ગુણાંક મેળવી અસાધારણ બુદ્ધિપ્રતિભા દર્શાવી છે. આર્થિક વિષમતાઓનો સામનો કરતા પરિવારે વિદ્યામંદિરમાં પ્રવેશ મેળવ્યો ત્યારે આ જ્વલંત સફળતાની કલ્પના પણ નહોતી કરી. શિક્ષકોના માર્ગદર્શન અને સમર્થનથી આદિત્યની શૈક્ષણિક પ્રતિભા ખીલી ઉઠી. સર્વાંગી વિકાસની તકો પૂરી પાડીતી શાળાએ તેની પ્રતિભા પોષવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આદિત્યના પિતા સુરક્ષા ગાર્ડની ફરજ બજાવે છે પણ તેનું સપનું એન્જિનિયર બનવાનું છે.
તેજસ્વી તન્વીનું ઝળક્યું તકદીર!
રત્નકલાકાર પિતાની દિકરી તન્વી અંતાલાએ ધોરણ દસની બોર્ડ પરિક્ષાઓમાં 95.2% ગુણાંક મેળવી ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું છે. અને તે પણ રાષ્ટ્રીયસ્તરની રમતવીર તરીકે અસામાન્ય પ્રદર્શન સાથે. મર્યાદિત સાધનો પણ ઉંચેરા સપનાઓ સાથે અંતાલા પરિવારે AVMAમાં મૂકેલા ભરોસાએ તનવીનું તકદીર બદલ્યું. “રોલ મોડેલ સમાન તન્વીની વાર્તા સંતુલન, હિંમત અને સુસંગતતાની છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે રાષ્ટ્રીય સ્તરે રમતગમતનું સંચાલન કરવું એ કોઈ નાની સિદ્ધિ નથી.” તન્વીનું સ્વપ્ન આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે.
ધ્રુવિષાની ધરખમ ધ્યેયસિદ્ધિ
પેટ્રોલ પંપ પર કામ કરતા પિતાની પુત્રી ધ્રુવિષા વાળાએ CBSE ધોરણ XII માં 95.80% ગુણ મેળવીને વાણિજ્યમાં ટોપર બની છે. તેનું સપનું સિવિલ સર્વિસીઝની પરિક્ષા પાસ કરવાનું છે. વિદ્યામંદિરના ગરીબ વિદ્યાર્થીઓએ દુનિયાને કરી બતાવ્યું છે કે પ્રતિકૂળતાઓ કદી સફળતાનો માર્ગ અરોધતી નથી.
AVMA ના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા આવા અનેક વિદ્યાર્થીઓની વાર્તાઓ પ્રેરણાદાયક છે. મોંઘા કોચિંગ ક્લાસની સહાય વિના વિદ્યાર્થીઓએ AVMAના ફેકલ્ટી અને સંસાધનો પર જ આધાર રાખ્યો, જે સાબિત કરે છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણે બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પણ જીવનમાં કાંઈ કરી બતાવવાનો વિશ્વાસ આપ્યો છે.
