શરીરમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિનું (ઇમ્યુનિટી) કામ દુશ્મનો સાથે લડી શરીરનું રક્ષણ કરવાનું છે, પરંતુ જો આ પ્રણાલી પોતેજ હુમલો કરે તો ક્યારેક બોડીમાં દુર્લભ કહી શકાય તેવા રોગ ઉત્પન્ન થઈ શકે છે.
ત્વચાને સંબંધ છે ત્યાં સુધી ચામડીનું રક્ષણ કરતી આ સ્વરક્ષા પ્રણાલી પોતાની જ કોસિકા ઉપર આક્રમણ કરે તો ચામડીનો વિકાર ઉત્પન્ન થાય છે અને એક દુર્લભ કહી શકાય તેવો પેમ્ફિગસ વલ્ગેરીશ નામનો રોગ ઉત્પન્ન થાય છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં આવા દુર્લભ કેસના સરેરાશ ૪૦ જેટલા દર્દીઓ છેલ્લા બે વર્ષમાં જોવા મળ્યા હતા અને તેમની સારવારમાં તબીબોને સફળતા મળી છે અને વારંવાર રોગના ઉથલાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, એમ હોસ્પિટલના ત્વચા રોગના નિષ્ણાત ડોક્ટર ડો.જૂઈ શાહ અને ડો.ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું હતું.
આ રોગના લક્ષણો અંગે તબીબોએ જણાવ્યું કે,પેમ્ફિગસ વલ્ગેરીશ નામના રોગથી ચામડી ઉપર પાણીવાળા ફોલ્લા પડે છે. ત્વચા બહુ નાજુક અને સહેલાઈથી નીચેના પડથી છૂટી પડી જાય છે. ફોલ્લા ઘણીવાર જાતેજ ફૂટી જાય છે અને છાલા પડે છે.મોઢામાં પણ ફોલ્લા પડી જાય અને રૂઝ લાંબા સમય સુધી ન આવે તો ખાવામાં પણ તકલીફ પડે છે, એમ ડો.ટ્વિંકલ રંગનાનીએ વધુમાં માહિતી આપી ઉમેર્યું હતું.
સારવાર અંગે તબીબોએ કહ્યું કે, દર્દીને સતત ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવે છે તેમજ રોગપ્રતિકારક શક્તિને દબાવનારી સ્ટીરોઈડ તથા અન્ય દવાઓ લાંબા સમય સુધી આપવી પડતી હોય છે.અને લાંબા સમય સુધી લેવાથી આડ અસર જોવા મળે છે.આ આડ અસર ન થાય એ માટે ” રીટુક્ષિમેબ” નામની દવા હમણાંથી આ રોગ માટે આપવામાં આવે છે .આ દવા તબીબની દેખરેખ હેઠળ ICU સુવિધામાં તેમજ જરૂરી રિપોર્ટ કરાવ્યા પછી જ તબીબને યોગ્ય જણાય તો જ અપાય છે.
આ દવા મોંઘી હોવાથી દરેકને પરવડે તેમ ન હોઈ જરૂરિયાત મંદ દર્દીઓને આયુષ્યમાન કાર્ડ હેઠળ અત્રે જી.કે.માં વિનામૂલ્યે આપવામાં આવે છે,જે આવા દર્દીઓ માટે આશાનું કિરણ છે.સારવારમાં રેસિ.ડો.પ્રેરક કથિરીયા,ડો.મીરા પટેલ, ડૉ.જય અમલાની,ડો.નૌશીન શેખ,ડો.સાક્ષી શાહ અને ડો. મેઘા પટેલે સહકાર આપ્યો હતો.
