ગુજરાતમાં ચોમાસું આ વર્ષે વહેલું આવવાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે. કેરળમાં પણ 27 મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે.

ચોમાસાની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આંદામાન- નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે. પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે તેની શક્યતા છે. કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શકયતા છે.

હવામાનની આગાહી કરતી સ્કાયમેટે એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસુ સામાન્ય જઇ શકે છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસુ સામાન્ય વધુ સારું રહી શકે છે. સ્કાયમેટ પ્રમાણે, ચોમાસાને ખરાબ કરનાર અલનીનો આ વખતે સક્રિય નથી. ચોમાસા દરમિયાન પણ તે સક્રિય થવાની શક્યતા નથી. લા-નીનો થોડા સમય માટે એક્ટીવ થઇ હાલ ન્યુટ્રલ તરફ જઇ રહ્યું છે. જે ચોમાસા દરમિયાન પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે. બીજી તરફ ઈન્ડિયન ઓશન ડીપોલ પણ ચોમાસા પહેલાં પોઝિટીવ થઇ જશે. આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય. સામાન્ય ચોમાસા પ્રમાણે 103% સાથે દેશમાં સરેરાશ 895 મીમી વરસાદ થઇ શકે છે. આ ચોમાસામાં સરેરાશ વરસાદ સામે 96% થી 104% સાથે સામાન્ય ચોમાસાનું રહેવાની શક્યતા 40% છે. જ્યારે 104% થી વધુ વરસાદની શક્યતા 30% છે. એટલે કે, ચોમાસુ સામાન્ય કે તેથી સારૂ રહેવાની શક્યતા 70% છે. એટલે જ ચોમાસું સારૂ માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ચોમાસાના 4 મહિનામાં વરસાદની સ્થિતિ

જૂન : જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ થઇ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

જુલાઇ : જુલાઇથી બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સક્રિય થઇ પશ્ચિમ તરફ આગળ વધતી હોય છે. જેને લઇ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ થઇ શકે છે. જુલાઇ અંતમાં ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બની શકે છે.

ઓગસ્ટ : ઓગસ્ટ મહિનામાં સૌથી સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટી જેવી સ્થિતિ બનતાં પૂરની જેવી સ્થિતિ બની શકે છે.

સપ્ટેમ્બર : સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે.

Leave a comment