ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. 200 જેટલા બાંગ્લાદેશીને તો પકડીને ડિપોર્ટ કરી દેવાયા છે, જોકે પોલીસ તપાસમાં સનસનીખેજ વિગતો સામે આવી છે. અહીં રહેતા કેટલાક બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું અને એના આધારે પાસપોર્ટ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે અમદાવાદમાંથી વધુ એક બાંગ્લાદેશી અને એજન્ટને ઝડપી પાડ્યો છે, જેઓ ઘૂસણખોરોને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા.
ઝડપાયેલા આરોપીઓની દુકાનમાંથી અસંખ્ય બોગસ ડોક્યુમેન્ટ અને આઈડી પ્રૂફ મળ્યા છે. ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ઘૂસણખોરોના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા આઈડી પ્રૂફ બનાવવા માટે સ્થાનિક ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનુ ખૂલ્યું છે. .
ગુજરાત એટીએસે બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી નારોલમાં રહેતો હતો. આરોપી તેના મકાનની નીચે વીઆઈપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે. તેણે પોતાના ખોટા આઇડી પ્રૂફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. રાણા સરકારે અને રોબ્યુલ ઈસ્લામનાએ નારોલ મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલા અલકુરેશ એન્ટરપ્રાઇઝના સોહેબ કુરેશી સાથે મળીને બીજા બાંગ્લાદેશી અને અન્ય લોકોનાં પણ આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના ખોટા દસ્તાવેજો બનાવી પાસપોર્ટ કઢાવી આપ્યા હતા.
આરોપીની ધરપકડ બાદ તેની મોબાઇલની દુકાનમાં તપાસ કરવામાં આવી એ દરમિયાન દુકાનમાંથી આધારકાર્ડ,પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ મળ્યાં હતાં, જેમાં આરોપી રાણા સરકારનું આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બાંગ્લાદેશનું આઈકાર્ડ, ભારત સરકારનો શ્રમ કાર્ડ અને બેંક ઓફ બરોડાની પાસબુક મળી આવી હતી. આ ઉપરાંત રાણા સરકારે રોબ્યુઅલ ઇસ્લામ નામના માણસે લાવેલા 13થી 14 જેટલા બાંગ્લાદેશી માણસોના બોગસ આઈડી પ્રૂફ શોએબ મોહમ્મદ પાસે બનાવડાવ્યા હતા અને તેમના પાસપોર્ટ બનાવવા માટેની પણ અરજી કરી હતી. સોએબ કુરેશીની દુકાનમાં તપાસ કરતાં એમાંથી પણ 22 જેટલા નકલી દસ્તાવેજો મળ્યા હતા. આ ઉપરાંત આરોપીના કોમ્પ્યુટર તથા લેપટોપમાંથી ખોટા આધાર કાર્ડ બનાવવા માટેના નકલી સર્ટિના 300થી વધારે પાનકાર્ડ, જન્મના દાખલા સહિતના ડોક્યુમેન્ટ મળ્યા હતા. આ બધાનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિમાં થતો હતો.
આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. આરોપીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, કોર્પોરેટર ગીતા સોલંકી અને પૂર્વ કોર્પોરેટર કમરૂદ્દીનના લેટરપેડનો દુરુપયોગ કરી નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. શહેઝાદ ખાન પઠાણના લેટરપેડના આધારે ચાર ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. ગીતા પરમારના લેટરપેડના આધારે 15 ડોક્યુમેન્ટ અને કમરુદ્દીનના લેટરપેડના આધારે બે ડોક્યુમેન્ટ બનાવ્યા હતા.
ગુજરાતી એટીએસએ રાણા સરકાર અને શોએબ મોહમ્મદની ધરપકડ કરી છે. રાણા સરકાર મૂળ બાંગ્લાદેશનો નિવાસી છે, જે વર્ષ 2012માં ખેતરના માર્ગે ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવ્યો હતો. તે દિનહાટમાં આવ્યો ત્યાંથી સિલિગુડી, હાવડા, તામિલનાડુ, બેંગલુરુ, મુંબઈ થઈ 2015માં અમદાવાદ આવ્યો હતો. 2017માં તેણે પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને તેણે દુકાન ભાડે લઈ 2018માં આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. જ્યારે અન્ય આરોપી શોએબ કુરેશી મૂળ રાજસ્થાનનો નિવાસી છે. તે 2015થી આધાર કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ વગેરેની ઓનલાઈન અરજીઓ માટે દુકાન ચલાવતો હતો. બનાવટી ડોક્યુમેન્ટસના આધારે આરોપીઓ દ્વારા બનાવવામાં આવતા પાસપોર્ટ માત્ર છેતરપિંડી નહીં, પરંતુ એનાથી વિશેષ આતંકવાદ, જાસૂસી, દાણ ચોરી, ગેરકાયદે ઈમિગ્રેશન તથા અન્ય જોખમમાં પણ વધારો કરી શકે છે, જેથી એટીએસ દ્વારા એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જે પણ કોર્પોરેટરનાં નામ સામે આવ્યાં છે તેમની પણ આગામી દિવસમાં પૂછપરછ કરવામાં આવશે.
