CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઈ પ્રગતિ’ અને ‘તેરા તુજકો અર્પણ’ પોર્ટલનો શુભારંભ

ગાંધીનગર સ્થિત સચિવાલયના નર્મદા હોલમાં ગુજરાત પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યના સુરક્ષા તંત્રને ડિજિટલ દિશામાં મજબૂત બનાવતા બે નવા પોર્ટલ–‘આઈ પ્રગતિ’ અને ‘તેરા તુજકો અર્પણ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યા. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટેની ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોન્ચ કર્યા હતા. મુખ્યમંત્રીએ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી સરકારી કચેરીઓમાં લોકોની વિશ્વસનીયતા વધે અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે એવા આશયથી આ પોર્ટલ લોન્ચ કર્યા હતા. આ પોર્ટલ લોન્ચ થવાના પરિણામે સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપતી ઓનલાઇન સુવિધાઓ ઇઝ ઓફ ગવર્નન્સના અંતર્ગત મળતી થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ “તેરા તુઝકો અર્પણ” નો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ફક્ત એટલું જ નહીં, નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન અને પોલીસમાં FIR દાખલ કરનાર ફરિયાદીને તપાસની પ્રગતિથી અપડેટ રાખતા I-PRAGATI પોર્ટલ પણ તેમણે લોન્ચ કર્યા હતા.

ઇ-ગુજકોપમાં તપાસના દરેક તબક્કે ફોર્મ ભરવાનું થતું હોય છે તેમાં FIR દાખલ કરતી વખતે પંચનામું કરતી વખતે, આરોપીને અટક કરતી વખતે અને કેસની ચાર્જશીટ કરતી વખતે અલગ-અલગ ફોર્મ્સનો સમાવેશ થાય છે. હવે સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો(એસ.સી.આર.બી.) તરફથી ઈ-ગુજકોપમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, આ ચારેય તબક્કાની કામગીરી જયારે પણ પૂર્ણ થાય ત્યારે દાખલ થયેલી FIRના ફરીયાદીને સિસ્ટમ જનરેટેડ એસ.એમ.એસ. મળી જાય છે. આથી ફરીયાદી તપાસની પ્રગતિથી સંપૂર્ણપણે વાકેફ રહે છે.

આ સિસ્ટમ I-PRAGATI એટલે કે, ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટીકલી જનરેટેડ એકયુરેટ એન્ડ ટાઇમલી ઇન્ફોર્મેશનનો પાયલોટ પ્રોજેકટ સફળતાપૂર્વક પૂર્ણ કરીને હવે તેનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વહિવટી કાર્ય સંસ્કૃતિમાં ગુડ ગવર્નન્સ, ટ્રાન્સપેરન્સી અને લેસ હ્યુમન ઈન્ટરફીયરન્સનો જે ધ્યેય રાખ્યો છે, તે આ પોર્ટલ દ્વારા ગૃહ વિભાગ સાકાર કરશે. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આઈ પ્રગતિ પોર્ટલ વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, રાજ્યના 650થી વધુ પોલીસ સ્ટેશનોમાં દાખલ થતી ફરિયાદો માટે હવે ફરિયાદીને ચાર તબક્કામાં SMS દ્વારા સ્ટેટસ અપડેટ મળશે.

રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓના પ્રતિબંધ માટે લોન્ચ થયેલ આ પોર્ટલ સાયબર ભોગ બનનારાઓને ઝડપી ન્યાય અપાવશે. DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, અગાઉ અરજદારે અરજી માટે 4 કલાક કાઢવા પડતા હતા, હવે માત્ર 10 મિનિટમાં અરજી કરી શકાશે. આ સાથે જ લોકોને પોતાના ખોવાયેલ પૈસા પરત મળે તે માટેની ન્યાયિક પ્રક્રિયા પણ ઝડપથી હાથ ધરાશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમીત શાહે તા.3/10/2024ના રોજ “તેરા તુઝકો અર્પણ” પોર્ટલનુ અમદાવાદ શહેર ખાતે અનાવરણ કર્યુ હતું. સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરિકોએ ગુમાવેલા નાણાંને લોક અદાલત દ્વારા પરત અપાવવાની કામગીરી વધુ ઝડપી બને એવા ઉદ્દેશ્યથી આ પોર્ટલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર દ્વારા બનાવવામાં આવેલું છે. આ પોર્ટલથી નાગરિકોને અને પોલીસ સ્ટેશન બંનેને ફાયદો થાય છે.

નાગરિકોને આ પોર્ટલથી થતા લાભ:

  • ઓનલાઈન નોંધણી અને રીઅલ-ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગથી નાગરિકોને સરળ અને ઝડપી રિફંડ પ્રક્રિયા છે.
  • FIR વિના સાયબર ગુનામાં ગુમાવેલાં નાણાં પરત મેળવવાની સુવિધા, જનતા માટે અનુકૂળ અને સુલભ છે.
  • ઝડપી કોર્ટ આદેશ અને ઓટોમેટેડ પ્રક્રિયાથી નાગરિકોનો સમય બચે છે અને પોલીસ સ્ટેશન વારંવાર આવવું પડતુ નથી.

પોલીસ સ્ટેશનને આ પોર્ટલથી થતા લાભ:

  • દરેક પોલીસ સ્ટેશનને અલગ યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા ડેટાનું સચોટ ટ્રેકિંગ અને રીઅલ-ટાઈમ મોનિટરિંગ શક્ય.
  • ઓટોમેશનથી રિફંડ પ્રક્રિયાના પત્રો આપોઆપ તૈયાર થાય, જેનાથી મેનપાવર ઘટે છે અને ચોકસાઈ વધે છે.
  • અરજદાર રિફંડની પેપર વર્કની પ્રકિયા 2 થી 3 કલાક લાગતો સમય હવે માત્ર 15 મિનિટ થતા નાગરોકોને સીધો ફાયદો થશે પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ ઘટશે અને એકયુરેસી વધશે.

અમદાવાદ શહેરની સફળતા:

  • પેન્ડિંગ અરજીમાં નોંધપાત્ર ઘટાડો થવાથી કાર્યક્ષમતામાં આશરે 50 %થી વધુ વધારો જોવા મળ્યો છે.

Leave a comment