~ પૂરતા ક્રિટિકલ બેડ,ટ્રોમા વોર્ડ,ઇમરજન્સી,ઓક્સિજન અને બ્લડનો જરૂરી જથ્થો ઉપલબ્ધ
~ તબીબો સહિત તમામ સ્ટાફની રજા કેન્સલ:રોજિંદી કામગીરી યથાવત
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદીલી વચ્ચે કોઈપણ સંભવિત તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા બ્લડ અને જરૂરી ક્રિટિકલ બેડની વ્યવસ્થા સાથે સુસજ્જ બનાવાઈ છે,તો બીજી તરફ તબીબોથી લઈને તમામ પેરા મેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
ગેઈમ્સના મેડિકલ ડાયરેક્ટર ડૉ.બાલાજી પિલ્લાઈ અને ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીના જણાવ્યા મુજબ આવી સ્થિતિમાં સૌથી મહત્વની કહી શકાય તેવી ઈમરજન્સી સેવાને પણ વધુ કાર્યાન્વિત કરી તમામ વ્યવસ્થા હાથવગી રાખવામાં આવી છે,ખાસ તો તબીબોને ખડે પગે રહેવા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે.
તાકીદની સ્થિતિમાં બ્લડ,ઓક્સિજન અને દવાનો પૂરતો જથ્થો અનામત અને તૈયાર રાખવામાં આવ્યો છે. સાથે સાથે હોસ્પિટલની બ્લડબેંક દ્વારા લોહીના દરેક ગ્રુપની વ્યવસ્થા સાથે સેવા તહેનાત કરવામાં આવી છે.આ ઉપરાંત વીજળીની અગત્યતા સમજી જનરેટરનો બેકઅપ જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે.જેથી વીજળી ખોરવવાની સમસ્યાને પણ અતિક્રમી શકાય.
આવા સંજોગોમાં ટ્રોમા વ્યવસ્થા પણ એટલીજ મહત્વની પુરવાર થતી હોવાથી આ વ્યવસ્થા પણ વધુ ધારદાર બનાવવામાં આવી છે.ટ્રોમા ઉપરાંત બર્ન્સ વોર્ડ તો તૈયાર હોવા ઉપરાંત દરેક વોર્ડમાં પણ પૂરતા બેડ તૈયાર રાખવામાં આવ્યા છે,જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશે.
આ સંપૂર્ણ વ્યવસ્થા સાથે અત્રેની હોસ્પિટલમાં રોજિંદી ચાલતી તમામ સેવા અને વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ છે.તમામ તબીબો,નર્સિંગ સ્ટાફ અને જોઈતા પ્રમાણમાં માનવશક્તિ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
