ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે એટીએમ સેવા બંધના અહેવાલ ખોટા

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલમાં વધુ એક ખોટા સમાચાર વાઈરલ થયા છે. જેમાં એટીએમ આગામી બે-ત્રણ દિવસ સુધી બંધ રહેવાનો સરકારનો નિર્દેશ ફરતો કરાયો છે. જો કે, આ સમાચાર તદ્દન ખોટા છે. એટીએમ સેવાઓ પર કોઈ રોક મૂકતો નિર્દેશ અપાયો નથી. 

ગઈકાલ સાંજથી સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિના કારણે પાકિસ્તાન દ્વારા રેન્સમવેર સાયબર-અટેક થવાની ભીતિ છે. જેથી દેશભરના એટીએમ આગામી બે-ત્રણ દિવસ સુધી બંધ રહેશે. વધુમાં આજે કોઈ ઓનલાઈન ટ્રાન્જેક્શન ન થવાની ગાઈડલાઈન પણ આપવામાં આવી છે. 

વધુમાં ફેક ન્યૂઝ વાઈરલ થયા હતા કે, તમારા મોબાઈલમાં પાકિસ્તાન દ્વારા વાઈરસ આવવાની સંભાવના છે. જેથી ડાન્સ ઓફ ધ હિલેરી તરીકે ઓળખાતો વીડિયો શરૂ ન કરવા પણ કહ્યું છે.  કુલ 74 દેશોમાં રેન્સમવેર અટેક થયો છે. જેથી ઈમેઈલમાં આવેલા કોઈપણ અટેચમેન્ટ ડાઉનલોડ ન કરવા પણ અપીલ કરાઈ હતી. 

પીઆઈબીના ફેક્ટ ચેક અનુસાર ,ઉપરોક્ત વાઈરલ થયેલા તમામ અહેવાલો અને સમાચારો ખોટા છે. જેના પર જનતાને વિશ્વાસ ન કરવા અપીલ કરાઈ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝની ભરમાર વધી છે. કેન્દ્ર સરકારે ખોટા અને નકલી અહેવાલો તથા  સમાચારોમાં ભરમાઈ ન જવા જનતાને અપીલ કરી છે. 

શુક્રવારે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ એક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં જમ્મુ વાયુસેના એરબેઝ પર વિસ્ફોટના દાવાઓને ખોટા ગણાવ્યા હતા. PIB ફેક્ટ ચેક મુજબ, જે તસવીર ફરતી થઈ રહી છે તે જૂની છે. તેમજ જમ્મુ એરફોર્સ બેઝની નહિ પરંતુ વર્ષ 2021માં થયેલા કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટની છે.  

Leave a comment