વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર વર્ષે મે માસના પહેલા મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે.વિશ્વ અને ભારતમાં તેના મૃત્યુ પ્રમાણને ધ્યાનમાં લઈ જાગૃતિના ભાગરૂપે એક સંદેશો વિશ્વને પાઠવી સારવાર માટે અનુરોધ કરવામાં આવે છે.એ મુજબ આ ૨૦૨૫ના વર્ષે શ્વાસ માટે લેવાતી સારવાર દરેક માટે સુલભ બનાવાય તેવું આહવાન કરવામાં આવ્યું છે.ભારતમાં અસ્થમાના ૩.૫ કરોડ દર્દીઓ છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના તબીબોના જણાવ્યા મુજબ અસ્થમાના સામાન્ય લક્ષણો જેમ કે શ્વાસ લેતી વખતે અવાજ આવવો અને ઉધરસ મુખ્ય પરિબળ છે. જો આવું જણાય તો પલ્મોનરી ફંકશન ટેસ્ટ (પીએફટી) કરાવી લેવો જરૂરી બને છે અને તેના આધારે તબીબો દવા આપે છે. જો પરિવારમાં કોઈને દમ થયો હોય તો પણ આવા પરીક્ષણ તો કરાવી જ લેવા.સતર્કતા જ મુખ્ય ઉપાય છે.
કેટલીક વખત આવા ચેપ ઉપરાંત ફૂગનો ચેપ પણ જોવા મળતો હોય છે, તો આ હોસ્પિટલમાં તેની ચકાસણી કરી, સ્કીન પ્રિન્ટ ટેસ્ટ કરી સારવાર આપવામાં આવે છે.
દમના નિયંત્રણ માટે ઇનહેલરની ભૂમિકા મહત્વની હોય છે. દવાની સરખામણીમાં ઇન્હેલર અસરકારક સાબિત થાય છે. જો ઇન્હેલરનો વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરાય તો શરીરના શ્વાસ લેવાના માર્ગ સુધી તેની અસર થાય છે અને રાહત મળે છે.દમ માટે બે પ્રકારની દવા આપવામાં આવે છે પ્રથમ રોગ પ્રતિરોધક અને બીજી સમસ્યા નિયંત્રણ માટેની જે લાંબા સમય સુધી લેવાની હોય છે.
બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓમાં આ રોગ વધુ જોવા મળે છે.તેથી સાવધાની રાખવી જરૂરી બને છે. પરિવારમાં કોઈ ધુમ્રપાન કરતા હોય તો સાવચેતી રાખવી. પાલતુ જાનવર અને પક્ષીઓની એલર્જી હોય તો તેનાથી દૂર રહેવું. વાયરસના વાયરા હોય તો માસ્ક પહેરીને બહાર નીકળવાનું. ૬૫ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ એ બેક્ટેરિયલ નિમોનિયા રસી અચૂક લઈ લેવી. વેક્સિન દરેકે અવશ્ય લગાવવી જે હાઇરિસ્કમાં જરૂરી બને છે. પ્રદૂષિત વાતાવરણમાં જવાનું ટાળવું.
બાળકોને દમ હોયતો સાર સંભાળ મહત્વની બની જાય છે.દવા તો નિયમિત લેવી.વજન માપસરનું રાખવું.ધૂમ્રપાન કરતી વ્યક્તિથી બાળકને દૂર રાખવા,સંક્રમણના વાયરામાં તબીબના સૂચવ્યા મુજબ કાર્ય યોજના બનાવવી.જો બાળક મોટું કે કિશોર વયનું હોય તો ગતિવિધિ જાળવવી.
