પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકને લઈ ગુજરાત એલર્ટ

પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત એલર્ટ છે. સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભુજ, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો અમદાવાદ એરપોર્ટથી ઉડાનભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી-આવતી બધી ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે. આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષાદળોએ ચેકિંગ પણ વધારી દીધુ છે.

એર ઇન્ડિયાએ આજે (7 મે) બપોરે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢની ફ્લાઇટ રદ કરી દીધી છે. સ્પાઇસ જેટે પણ હાલની આ પરિસ્થિતિને કારણે ઉત્તર ભારતથી ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર સહિતની ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે.

અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી રીલિઝ કરી કહ્યું કે, એરસ્પેસ પ્રતિબંધો અને અમુક એરપોર્ટ્સ બંધ કરવાની ફ્લાઇટ ઓપરેશન્સ પર અસર પડી શકે, જેથી અમે તમામ પેસેન્જર્સને એરપોર્ટ જતા પહેલાં તેમનું લેટેસ્ટ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા અનુરોધ કરીએ છીએ.

ઈન્ડિગોએ X પર પોસ્ટ કર્યું છે કે, “બદલાતા હવાઈ ક્ષેત્રના વાતાવરણને કારણે, શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાલા જતી અને આવતી અમારી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

કેશોદ એરપોર્ટને પણ 10 મે સુધી બંધ કરવામાં આવ્યું છે. ફ્લાઇટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે.

સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ કેશોદ એરપોર્ટ પર આવતી હતી. નેવી અને એરફોર્સ માટે એરપોર્ટ ખાલી રાખવા આપી સૂચના આપી છે.

ભુજ અને કંડલા એરપોર્ટ ત્રણ દિવસ માટે સંપૂર્ણ બંધ. શરૂઆતમાં ભુજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કંડલા એરપોર્ટને પણ ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગર કોસ્ટલ વિસ્તારમાં SOG મરીન પોલીસ તથા મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો સાથે દરિયાઈ વિસ્તારમાં બોટ પેટ્રોલિંગ અને બોટ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહે ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ત્રણ દિવસ બંધ રહેશે. સિવિલિયન ફલાઇટ ત્રણ દિવસ સુધી ઓપરેટ નહિ થાય. કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવેલા આદેશ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા એરપોર્ટ પર બે ફ્લાઇટ 20 મિનિટથી એક કલાક લેટ પહોંચી હતી. મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ લેટ આવી છે. હાલમાં વડોદરા એરપોર્ટ પરથી કોઇ ફ્લાઇટ કેન્સલ થઈ હોવાની માહિતી સામે આવી નથી.

ભુજ એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તા જ્યોતિસિંગ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ભુજ એરપોર્ટથી દૈનિક ચાર ફ્લાઈટ ઉડાન ભરે છે અને ચાર ફ્લાઈટ આગમન કરે છે. આ તમામ આઠ ફ્લાઈટ આજના દિવસ માટે બંધ કરવામાં આવી છે. ઉડાન ભરતી ફ્લાઈટમાં 2 મુંબઈ, 1 દિલ્હી અને 1 અમદાવાદ ફ્લાઇટનો સમાવેશ થાય છે. આજ પ્રમાણે ફ્લાઇટ આગમન પણ કરે છે. જોકે કંડલા એરપોર્ટ પર ફ્લાઇટ અવરજવર ચાલુ રખાઈ છે.

Leave a comment