કચ્છ જિલ્લામાં સૌથી મોટી અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલની બ્લડબેંક દ્વારા સખત કાળઝાળ ગરમીમાં વિતેલા એપ્રિલ માસમાં પણ ૯૯૯ યુનિટ અર્થાત ૩.૫ લાખ સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ઊભી થયેલી ઇમરજન્સી દરમિયાન જીવ બચાવમાં આ લોહી ખપમાં આવ્યું હતું.
હોસ્પિટલના બ્લડબેંકના હેડ ડૉ.જિગ્નાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગત માસ દરમિયાન ૧૦ કેમ્પ દ્વારા જ મોટા પાયે ૮૧૧ યુનિટ અને સ્થાનિક બ્લડબેંકમાં ૧૮૮ યુનિટ બ્લડ ભેગું કરવામાં આવ્યું હતું.
આ બ્લડનો ઉપયોગ સૌથી વધુ થેલેસેમીયાના દર્દીઓ અને ઇમરજન્સીમાં તેમજ ગાયનેક વિભાગમાં તાકીદના સંજોગોમાં કરવામાં આવ્યો હતો.આ પ્રત્યેક વિભાગમાં ૨૦૦ થી વધુ તેમજ અન્ય વોર્ડમાં રક્ત કામમાં આવ્યું, જેનો યશ જિલ્લાના રક્ત દાતાઓને જાય છે, એમ બ્લડબેંકના ડો.સુમન ખોજાએ કહ્યું હતું.
કાઉન્સેલર દર્શન રાવલે વિગતો આપતા જણાવ્યું કે, ઇન હાઉસ ઉપરાંત કચ્છ યુવક સંઘ દ્વારા બિદડા,દહીંસરા,ગઢશીશા,નખત્રાણા,દયાપર મુકામે તેમજ દરશડી ગામે એક મિત્રાંજલી કાર્યક્રમ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મિત્રાંજલી પ્રસંગે ગણપતસિંહ સોઢા દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી આ પ્રકારનો કેમ્પ યોજાય છે.આ ઉપરાંત ચોબારી આહીર યુવક મંડળ દ્વારા કેમ્પ યોજાયો તેમજ ભોપા વાંઢ ગામે યોજાયેલા કેમ્પમાં ભોપાશ્રી રામા ભોજરાજની રક્તતુલા કરવામાં આવી હતી. શિણાય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટે પણ કેમ્પ યોજી રક્ત એકત્રિત કર્યું હતું.
