અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિ. માં  અંદાજે ૪ થી ૫ નવા અને  સરેરાશ ૨૦ થી ૨૫ જૂના દર્દીઓ સારવાર અને કાઉન્સેલિંગ માટે આવે છે

ભાગમભાગની જિંદગીમાં હવે ટેન્શન કે તણાવ સ્વાભાવિક વાત બની છે, પરંતુ તેની અસર પણ વ્યાપક થઈ રહી છે. ઊઠવા,બેસવા,જાગવા,ખાવા,પીવા અને ઊંઘવા જેવી રોજિંદી પ્રક્રિયાને અસર થાય છે.જો તણાવ ઉપર નિયંત્રણ લાવવામાં ના આવે તો તેની અસર વધી જાય છે.અને બીજા રોગ ઉત્પન્ન થાય છે.અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં રોજે રોજ તણાવના વધુ ને વધુ દર્દીઓ સારવાર લેવા આવી  રહ્યા છે.   

હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના ડો.રિધ્ધિ ઠક્કરે કહ્યું કે,અત્રે રોજના નવા અંદાજે ૪ થી ૫ અને  સરેરાશ ૨૦ થી ૨૫ જૂના દર્દીઓ સારવાર અને કાઉન્સેલિંગ માટે આવે છે. તેમને સતત ગભરાટ,ઊંઘ ન આવવી,શ્વાસ લેવામાં તકલીફ  જેવા અનેક લક્ષણો જોવા મળે છે.

તણાવ વધવાના લક્ષણો અંગે તેમના જણાવ્યા મુજબ તણાવમાં રહેતી વ્યક્તિ હંમેશા ભયભીત રહે છે.કલ્પનામાં રચ્યા-પચ્યા રહેવાથી શ્વાસની તકલીફમાં વધારો થાય છે. થકાવટ જણાય અને એક્સ રે લેવામાં આવે તો બધું બરાબર જણાય તેમ છતાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. આ બધા તણાવ વધવાના ચિહ્નો છે. જો આવું નિરંતર રહે તો ડાયાબિટીસ કે હાયપર ટેન્શન થઈ શકે છે.

ઉપરાંત તણાવમાં દરેક અંગને અસર થાય  છે. ઊઠવા બેસવામાં તો તકલીફ થાય, પરંતુ શરીરમાં કેલ્શિયમ નિર્માણની પ્રક્રિયામાં પણ રુકાવટ ઊભી થાય છે અને હાડકાના સ્વાસ્થ્યનો ખતરો પણ વધી જાય છે,એમ મનોચિકિત્સક ડૉ.બંસીતા પટેલ અને કંગના દેસાઈએ જણાવ્યું હતું. 

સતત તણાવમાં રહેતી વ્યક્તિ  સ્વાભાવિકપણે નિરાશ થઈ જતી હોવાથી કસરતથી તો દૂર જ રહે છે. ખાનપાનમાં લાપરવાહ થઈ જાય છે. ઊંઘ પણ અનિયમિત થઈ જાય છે,જેથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે. વળી માંસપેશી કમજોર બને અને હાડકાંના રોગ વધતા જાય છે. આવી સ્થિતિમાં મનોચિકિત્સક પાસેથી સારવાર લેવી જેથી તેની અસર દૂર કરી શકાય. જો સારવાર ન લેવાય તો ડાયાબિટીસ કે હાઈ બી.પી.પણ થઈ શકે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે,શરીરમાં અને ખાસ કરીને કમરમાં ચરબી વધુ હોય તેમણે ટેન્શનની અસર હોય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ.વધુ બી.એમ.આઈ.વાળા લોકોએ પણ સાવધાન રહેવું જરૂરી છે.

સ્વસ્થ જીવનશૈલીનો વિકાસ કરવો એ આજના ટેન્શન યુગમાં જરૂરી છે. જી.કે. માં અનેક દર્દીઓ સારવાર અને કાઉન્સિલિંગના સહારે સ્વસ્થ જીવન જીવતા થયા છે,એમ અત્રેના કાઉન્સેલર હેતલબેન ગોહિલે કહ્યું હતું. જો કે હાયપર ટેન્શનમાં સામાન્ય બનતા સમય લાગે છે, માટે કાઉન્સેલિંગ નિયમિત લેવું જોઈએ.

Leave a comment