કેન્દ્ર સરકાર જાતિ વસતિગણતરી કરાવશે. આ નિર્ણય બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે જાતિ વસતિગણતરી, મૂળ વસતિગણતરીમાં જ સામેલ થશે.
વસતિગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાય છે. એને પૂર્ણ થવામાં ઓછામાં ઓછાં 2 વર્ષ લાગશે. આમ, જો સપ્ટેમ્બરમાં પણ વસતિગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો અંતિમ આંકડા 2026ના અંત કે 2027ની શરૂઆતમાં આવશે.
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું, ‘1947થી જાતિ વસતિગણતરી કરવામાં આવી નથી. મનમોહન સિંહે જાતિ વસતિગણતરીની વાત કરી હતી. કોંગ્રેસે જાતિ વસતિગણતરીની વાતનો માત્ર પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો છે. જાતિ વસતિગણતરી માત્ર કેન્દ્રનો વિષય છે. કેટલાંક રાજ્યોએ આ કામ સારી રીતે કર્યું છે.
2021માં વસતિગણતરીને કોવિડ-19 મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. વસતિગણતરી સામાન્ય રીતે દર 10 વર્ષે કરવામાં આવે છે, પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. આની સાથે જ વસતિગણતરીનું ચક્ર પણ બદલાઈ ગયું છે, એટલે કે આગલી વસતિગણતરી 2035માં થશે.
કેબિનેટના અન્ય 2 મોટા નિર્ણયો
1. શિલોંગથી સિલચર (મેઘાલય-આસામ) હાઈસ્પીડ કોરિડોર બનશે. આ 166 કિમીનો અને 6 લેનનો રહેશે. ઉત્તરપૂર્વ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આમાં 22 હજાર 864 કરોડનો ખર્ચ આવશે.
2. સરકારે 2025-26 માટે શેરડીની ફેર અને રિમ્યુનરેટિવ (યોગ્ય અને વળતર સંબંધિત) કિંમતો નક્કી કરી છે. આમાં શેરડીની કિંમત 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આ માનક કિંમત છે, આનાથી નીચી કિંમતે શેરડી ખરીદી શકાશે નહીં.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 9 એપ્રિલે કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી મળી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં તિરુપતિથી કટપડી સુધીની 104 કિમીની સિંગલ રેલવેલાઈનને ડબલ લાઈનમાં બદલવામાં આવશે.
આમાં આશરે 1332 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આનાથી આંધ્રપ્રદેશના તિરુમલા વેંકટેશ્વર મંદિર સુધીની કનેક્ટિવિટી વધવાની સાથે જ અન્ય મુખ્ય સ્થળો, જેવાં કે શ્રી કાલહસ્તી શિવ મંદિર, કનિપકમ વિનાયક મંદિર, ચંદ્રગિરિ કિલ્લા વગેરે સુધી પણ રેલ કનેક્ટિવિટી થઈ શકશે.
