ગુજરાતના ભુજથી મુંબઈ સુધી મોટી સંખ્યામાં લોકોની અવજ-જવર રહે છે, ત્યારે ભુજથી મુંબઈ અને વિદેશ જતા મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હાલ ભુજથી સવારના સમયે બે ફ્લાઈટ છે, ત્યારે બપોરના સમયે વધુ એક ફ્લાઈટ શરૂ કરવાને લઈને સ્થાનિકો અને કચ્છના સાંસદ દ્વારા રજૂઆતો કરાઈ હતી. તેને પગલે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટને મંજૂરી મળી છે. હવે આગામી 10 મેથી બપોરે વધુ એક ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે.
ભુજ-મુંબઈ વચ્ચે સવારે બે વિમાન સેવા કાર્યરત છે. આ ફ્લાઈટોને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જો કે, આ બંને ફ્લાઈટ સવારના સમયે હોવાથી બપોરના સમયે ત્રીજી વિમાની સેવા શરૂ કરવાને લઈને મુસાફરોની માગ હતી. આ બાબતે કચ્છના સાંસદે પણ નવી ફ્લાઇટ બાબતે લેખિત-મૌખિક રજૂઆત કરી હતી, જેથી એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટને મંજૂરી મળી ગઈ છે. હવે બપોર પછી પણ કચ્છથી મુંબઈ સુધી સહેલાઈથી અવરજવર થઈ શકશે.
મુંબઈ-કચ્છ વચ્ચે આગામી 10 મેથી વધુ એક વિમાન સેવા શરૂ થવાની છે. જેમાં મુંબઈથી બપોરે 12:10 વાગ્યે ફ્લાઈટ ઉપડીને બપોરે 1:35 વાગ્યે ભુજ પહોંચાડશે. જ્યારે ભુજથી પરત ફરવા માટે ભુજ એરપોર્ટથી બપોરે 2:05 વાગ્યેથી ફ્લાઈટ ઉપડીને 3:40 વાગ્યે મુંબઈ પહોંચાડશે.
