અદાણી વિદ્યામંદિર, ભદ્રેશ્વર ખાતે “બેગલેસડે” નું આયોજન

પુસ્તકમાંથી અભ્યાસ કરવો એ જ માત્ર શિક્ષણ નથી. પરંતુ પુસ્તક બહારની પણ એક દુનિયા છે. જેમાંથી બાળક વિવિધ પ્રકારે શિક્ષણ મેળવીને પોતાનાં જીવનમાં આગળ વધી શકે છે. જેમાં જ્ઞાન સાથે વિવિધ કૌશલ્યો પણ બાળક શીખી શકે છે. શિક્ષણ એ જ્ઞાન, કૌશલ્યો અને જીવનના વિવિધ મૂલ્યોને આત્મસાત કરવાની પ્રક્રિયા છે. સતત એક જ કાર્ય કરતાં કરતાં વ્યક્તિ થાકે છે, કંટાળે પણ છે. એવામાં બાળકો પર પણ આ જ બાબત લાગુ પડે છે. ત્યારે ફક્ત શિક્ષા માટેનાં પુસ્તકોનાં ભાર હેઠળ બાળક ક્યારેક દબાઈ જાય છે. આ ભાર તેમના શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય પર ઊંડી અસર પાડે છે. જેમ એક ફૂલને સતત ગરમી, સતત ઠંડી કે સતત વરસાદમાં ન મૂકી શકાય તે જ રીતે બાળકોને ફક્ત પુસ્તકો સાથે જ શિક્ષણ ન જ આપી શકાય. આ વાતને સમજીને NEP-2020 અને 10 Bagless days in schools ના ઉદેશ્યોને સાર્થક કરતાં અમારી શાળા અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે બેગલેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી બાળકોને શિક્ષણ એક બોજ કે ફક્ત પ્રક્રિયા ન લાગે.

        આ દિવસોનો ઉદ્દેશ્ય બાળકોને શાળાના વર્ગખંડની બહાર વિશ્વના સંપર્કમાં લાવવા, સ્થાનિક કારીગરો, કલાકારો સાથે વાર્તાલાપ કરી તે ક્ષેત્રમાં લાગતી મહેનત અને અનુભવ જાણવા, તેમજ તેમનામાં સમૂહ ભાવનાનો વિકાસ થાય તે હેતુથી અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓ અને કલાઓ જાણવા, માણવા અને શીખવા માટે વાર્ષિક પરીક્ષા બાદ તરત જ તા. 23 એપ્રિલ, 2025 થી 25 એપ્રિલ, 2025 સુધી “બેગલેસ ડે” તરીકે ઉજવવામાં આવ્યા હતાં. બાળકો માટે આ દિવસો એક ઉજવણી જ હતી. જેમાં તેમના માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. જેમાં ત્રણેય દિવસ બાળકો દફતર વિના જ શાળાએ આવ્યા હતા. આ દિવસોમાં તેમને ચિત્ર/ઉદ્યોગ, કોમ્પ્યુટર, સંગીત, વિવિધ રમતો, ફિલ્મ, ફાયરલેસ કુકિંગ, ડાન્સ તેમજ કેલીગ્રાફી જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જેમાં 51 બાળકોએ ચિત્ર/ઉદ્યોગમા વિવિધ ચિત્રો સાથે ‘થેન્ક યુ’ કાર્ડ બનાવ્યા હતા, કોમ્પ્યુટરમાં 28, સંગીતમાં 19, ઇન્ડોર રમતોમાં 64, ફિલ્મ જોવામાં 102, ફાયરલેસ કુકિંગમાં 17, ડાન્સમાં 20, કેલીગ્રાફીમાં 13, તેમજ કે. જી અને ધોરણ 1 ના 124 બાળકો આ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા.

        આ પ્રવૃત્તિઓ સાથે સાથે બાળકો માટે શાળા બહારના પણ વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે એક્ટર પ્રદિપ જોશી અને રાજુ ઉદાસ આવ્યા હતા. જેમણે તે ક્ષેત્રનાં તેમના અનુભવ તેમજ તે ક્ષેત્રે કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. બીજા દિવસે હેન્ડ પેઈન્ટિંગ અને બ્લોક પેઈન્ટિંગ શીખવવા આયુષીબેન અને ભૂમિબેન આવ્યા હતા. અને ત્રીજા દિવસે સંગીતક્ષેત્રના તજજ્ઞ એવા કૌશલભાઈ છાયા આવ્યા હતા. જેમણે સંગીતનું મહત્વ તેમજ વિવિધ પ્રકારના સંગીતના પ્રકાર અને સાધનો વિશે સમજ પૂરી પાડી હતી. આ ત્રણ દિવસ બાળકોએ ખૂબ આનંદ માણ્યો.

        બેગલેસ ડે સાથે 26 એપ્રિલે “કૃતજ્ઞતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય બાળકો સાથે જોડાયેલ અને સતત તેમને મદદરૂપ થતાં શાળાકીય ક્ષેત્ર સાથે જોડાયેલ બિન શૈક્ષણિક સ્ટાફના મદદગારોનો આભાર માનવાનો હતો. જેમાં સિક્યુરીટી ગાર્ડ, કિચન સ્ટાફ, ડ્રાઈવર ભાઈઓ અને સ્વીપર બહેનોના પરીશ્રમ અને સેવાનો આભાર બાળકો દ્વારા સર્જિત  ‘Thank You Card’ થી માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, શાળામાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓના સન્માન, સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉતીર્ણ થયેલા બાળકોને અતિથિના હસ્તે પ્રમાણપત્ર વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.શાળામાં આ પ્રસંગે અતિથિ તરીકે અદાણી પોર્ટના એસોસિયેટ વાઈસ પ્રેસિડંટ શ્રી નિમિત્ત કપૂર સાહેબે ખાસ હાજરી આપી હતી. અને પધારેલ અતિથિશ્રીએ સ્વની આગવી શૈલીમાં બાળકોને ‘જાદુ કી ઝપ્પી’ આપી આભાર વ્યક્ત કરતા શીવ્યું તેમજ આદર ભાવનાનો પ્રત્યક્ષ અનુભવ કરાવેલ. તેમજ જીલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ભૂતપૂર્વ કેળવણી નિરીક્ષક શ્રી હિતેશભાઈ મોખા, માજી સરપંચશ્રી સચિનસિંહ, શ્રી ઉમરભાઈ તેમજ અદાણી ફાઉન્ડેશન તરફથી યુવરાજસિંહ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર શાળા પરિવાર હાજર રહ્યો હતો.    

        આમ, બાળકોએ દર દિવસના વિવિધ કાર્યક્રમોમાં જોડાઈ સ્વના જ્ઞાનને વિકસાવવાની સાથે, જીવનનો ખરો આનંદ માણતા સ્વ કૌશલ્યોને ઓળખવા, વિકસાવવા પ્રવૃત થઇ, બાળપણને ખરાં અર્થમાં માણતા દેખાયા. જે શાળા જીવનનું ખરું ચિત્ર તાદ્રશ કરે છે.

જીવન એક ગીત છે, તેને પ્રેમથી ગાઓ,

 દરેક ક્ષણને ઉત્સવ બનાવો અને ખુશીઓ ફેલાવો.

Leave a comment