ભારતની ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા 63000 કરોડની ડીલ મંજૂર થઈ

જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં થયેલા ક્રૂર આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથેની તંગદિલી વચ્ચે સોમવારે ભારત અને ફ્રાન્સે 63000 કરોડ રૂપિયાની ડીલ પર મંજૂરીની મોહર મારી. આ ડીલ હેઠળ ભારતને 26 રાફેલ મરીન ફાઈટર જેટ મળશે. આ સાથે જ હવે પાકિસ્તાનની મુશ્કેલી વધશે કેમ કે ભારતીય નેવી પણ રાફેલ વિમાન સાથે પ્રહારો કરવામાં સક્ષમ બનશે. 

6.6 અબજ યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને 22 નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (Rafale-M) જેટ અને 4 નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ 26 નંગ પ્લેન મળશે. એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે 36 નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલનાં સમાવેશ થાય છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે.

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ 27 એપ્રિલે ભારત આવવાના હતા, પણ આતંકવાદી હુમલાને લીધે સર્જાયેલી તંગદિલીને લીધે તેમણે ભારતની યાત્રા મુલતવી રાખી હતી. તેથી હવે બંને દેશોના સુરક્ષા અધિકારીઓએ 28 એપ્રિલ, સોમવારના રોજ નવી દિલ્હીમાં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશના સંરક્ષણ મંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગમાં હાજર રહ્યા હતા.  

રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ પ્લેનના નિર્માણ અને પરીક્ષણમાં ખાસ્સો સમય લાગતો હોવાથી વર્તમાન સોદાની ડિલિવરી મેળવવા માટે ભારતે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જોવી પડશે. પહેલો બેચ 2029 ના અંત સુધીમાં મળવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ઓર્ડર 2031 સુધીમાં પૂરો પાડવામાં આવશે. આ વિમાનો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો પરથી સંચાલિત થશે.

રાફેલ મરીન પહેલાં ભારતે ફ્રાન્સ પાસેથી વાયુસેના માટે 36 રાફેલ જેટ પણ ખરીદ્યાં છે. 2016માં થયેલી આ ડીલનાં તમામ વિમાનો 2022માં ભારત પહોંચ્યાં હતાં. આ વિમાનો વાયુસેનાના અંબાલા અને હાશિનારા એરબેઝ પરથી સંચાલિત થાય છે. આ સોદો 58,000 કરોડ રૂપિયામાં થયો હતો. રાફેલ મરીન વિમાનની વિશેષતાઓ વાયુસેનાના રાફેલ વિમાન કરતાં વધુ અદ્યતન છે.

ભારત INS વિક્રાંત પર રાફેલ મરીન વિમાન તહેનાત કરશે. વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશને ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફારો કર્યા છે. તેમાં એન્ટિ-શિપ સ્ટ્રાઈક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સામેલ છે. આ ઉપરાંત, કંપની ભારતને હથિયાર પ્રણાલી, સ્પેરપાર્ટ્સ અને વિમાન માટે જરૂરી સાધનો પણ પૂરાં પાડશે.

અહેવાલો અનુસાર, આ વિમાનોની ડિલિવરી 2028-29 માં શરૂ થશે અને બધાં વિમાન 2031-32 સુધીમાં ભારત પહોંચી જશે.

Leave a comment