~ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાતા કોલેજના પૂર્વ ૧૮૦૦ વિધાર્થીઓએ સંસ્મરણ વાગોળ્યું
અદાણી મેડિકલ કોલેજ ભુજે વધુ ૧૫૦ મેડિકલ વિધાર્થીઓને ડોક્ટર બનાવી સમાજ અને દેશને ચરણે અર્પણ કર્યા તે પ્રસંગે આયોજિત દિક્ષાંત અર્પણ ગ્રેજ્યુએટ સેરેમની કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ નવોદિત તબીબોને સમાજ પરત્વે સેવા,સમર્પણની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો.
મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત ૧૧મા દિક્ષાંત સમારોહને દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવતા કચ્છ યુનિ.ના ઉપ કુલપતિ ડો.મોહનભાઈ પટેલે મેડિકલ ક્ષેત્રે પદાર્પણ કરતા એમ.બી.બી.એસ. ડોક્ટરને અને ઉપસ્થિત તેમના વાલીઓને ઉદબોધન કરતા જણાવ્યું કે, નવા બનેલા તબીબોને સખત મહેનતનું ફળ મળ્યું છે,પણ વાલીઓ માટે આનંદની ક્ષણ છે. તેમણે મેડિકલ અભ્યાસક્રમ અને તેની આજના સંદર્ભમાં અગત્યતા અંગે જણાવી ઉમેર્યું કે, હેલ્થ અને શિક્ષણ કોઈપણ દેશની પ્રગતિની પારાશીશી છે. એ વિના કોઈપણ દેશની પ્રગતિ શક્ય નથી.
અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડૉ.પંકજ દોશીએ તમામ ડોક્ટરોને અભિનંદન આપી મેડિકલ અભ્યાસ ક્ષેત્રે હજુ આગળ વધવા શીખ આપી હતી અને દેશમાં હેલ્થ કેર ઝડપથી આગળ વધે છે તેવા માહોલનો ઉલ્લેખ કરી અદાણી હેલ્થ કેર ગ્રુપની વિસ્તરતી ક્ષિતિજો વિશે આછેરો ખ્યાલ આપ્યો હતો.ગેઈમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
પ્રારંભમાં ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ તમામ નવા બનેલા ડૉક્ટર્સને ચરક આચાર સંહિતાના શપથ લેવડાવ્યા હતા.જ્યારે કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે સ્વાગત પ્રવચનમાં કહ્યું કે,આ માત્ર ડિગ્રી નથી એક મોટી જવાબદારી છે, જેને બખૂબી નિભાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે આસિ.ડીન ડો.અજીત ખીલનાની ઉપસ્થિત રહ્યા હતા.
આ દિક્ષાંત સમારોહમાં શૈક્ષણિક ક્ષેત્રે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ ડો.આકાશ વંદનાબેન સુનિલ શર્માને અર્પણ કરવામાં આવ્યો હતો,જ્યારે તમામ ૧૫૦ નવોદિત તબીબોને પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનો ઉપરાંત આસિ ડીન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, અને ફેકલ્ટી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. તબીબોએ પ્રતિભાવમાં સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમના કોઓર્ડિનેટર ડો.પારસ પારેખ અને ડો.મોનાલી જાનીએ વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમ પરંપરાગત વેશભૂષામાં યોજાયો હતો. શુભમ, કાલિન્દી, દેવ, આર્ચી, ખુશી અને દેવાશે સંચાલન સંભાળ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ ઉપર લાઇવ ટેલિકાસ્ટ કરાયું હતું જેને આ કોલેજ અને હોસ્ટેલમાં રહી અભ્યાસ કર્યો હતો એવા ૧૮૦૦ જેટલા પૂર્વ વિધાર્થીઓ જેઓ આજે તબીબો છે તેમણે કાર્યક્રમને માણી યાદો તાજી કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી પાંખે જહેમત લીધી હતી.
