ત્વચા શરીરનું બાહ્ય રક્ષાત્મક આવરણ છે.જેના દ્વારા શરીરમાં પાણીની જાળવણી થાય છે.સંવેદના અનુભવે છે.વાતાવરમાં રહેલા અનેક રોગગ્રસ્ત બેક્ટેરિયા અને વાયરસથી બચાવે છે.શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરે છે અને સૌથી વિશેષ તો સૂર્યના કિરણો ત્વચાના સંપર્કમાં આવી વિટામિન ડી પણ બનાવે છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના સ્કિન વિભાગના ડો.જૂઈ શાહે જણાવ્યું કે,શરીર માટે કુદરત નિર્મિત ત્વચા આટલી ઉપયોગી છે,ત્યારે તેનું જતન પણ કાળજીપૂર્વક કરવું જોઈએ.નહીતો અંગ દઝાડતી ગરમી અને સૂર્યના સખત તાપમાં ખીલ,,લાલ ત્વચા અને ત્વચાના રંગમાં પરિવર્તન જેવા રોગ સહજ બની જાય છે.
અત્રે આવતા દર્દીઓ પૈકી દાદરના રોગના દર્દીઓ વધુ જોવા મળેછે.રોજ ૪૦ થી ૫૦ જેટલા દર્દીઓ સારવાર લેતા હોય છે.
આ હોસ્પિટલમાં ઉનાળામાં સ્કિન રોગના દર્દીઓમાં ખાસ કરીને દાદરમાં વધારો જોવા મળે છે.સૂર્યના તાપ ઉપરાંત બીજા કયા કારણો જવાબદાર હોય શકે તેવા પ્રશ્નના ઉતરમાં ડો.ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું કે, વાળના ફોલિકલ્સમાં ફસાયેલા ફૂગ અનેબેક્ટેરિયાનું આક્રમણ ઉપરાંત ડાયાબિટીસ,થાઇરોઇડ, કિડની અને નબળી રોગપ્રતિકારક શક્તિ પણ જવાબદાર હોય છે.
ચામડીના રોગના લક્ષણો ચામડીની સ્થિતિ સાથે પ્રત્યક્ષ જોડાયેલા હોય છે,પરંતુ તેનું નિદાન સ્પષ્ટ થવું જોઈએ તોજ ઉપચાર સરળ બની શકે છે.
કેટલીક વાર એવું પણ બને છે કે,જો ત્વચાને જોવાથી રોગનો પ્રકાર સ્પષ્ટ ન થાય તો ખાસ ટેસ્ટ કરવા પડે છે.બાયોપ્સી,કલ્ચર,પેચ ટેસ્ટ(એલર્જી) જેવા અનેક ટેસ્ટ જરૂરી બને છે.નિદાન બાદ સારવાર ઝડપી બની શકે છે.જેમાં દવા,ઇન્જેક્શન,એન્ટિબાયોટિક્સ,એન્ટિફંગલ, એન્ટિહિસ્ટેમાઈન્સ,લેસર,દવા યુક્ત મલમ,જેલ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન ઉપયોગી થાય છે.પરંતુ સ્કિન નિષ્ણાતની સલાહ વિના કોઈપણ દવાનો ઉપયોગ ન કરવો હિતાવહ છે.
પ્રખર તાપથી ત્વચાને સુરક્ષિત આ રીતે રાખી શકાય:
ભર ઉનાળે તાપથી બચવા સ્કિન વિભાગના તબીબો ડો.પ્રેરક કથિરીયા અને ડો.મીરાં પટેલે કહ્યુંકે, દરરોજ નિયમિત ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીઓ,હળવા,કોટનના અને લાંબીબાયના કપડા પહેરવાથી શરીર સુરક્ષિત રહેશે,બપોરે ૧ થી ૪ તાપમાં ફરવું નહીં,બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવવું,પ્રાકૃતિક અને તાજા ફળો જેમકે, તરબૂચ,કાકડી,સક્કરટેટી,નાળિયેરપાણી વિગેરે. ત્વચાના મૂળ રોગ દાદર અને ચીતરી જેવા રોગ અવગણો નહીં અને સ્કિનના તબીબની સલાહ લ્યો.
