ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે

ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે જણાવ્યું હતું કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધીનું ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. હવામાન વિભાગ 104થી 110 ટકા વચ્ચેના વરસાદને સામાન્ય કરતાં સારો માને છે. આ પાક માટે સારો સંકેત છે.

IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે 2025માં 105% એટલે કે 87 સેમી વરસાદ પડી શકે છે. 4 મહિનાના ચોમાસાની ઋતુ માટે લાંબા ગાળાની સરેરાશ (LPA) 868.6 મિમી એટલે કે 86.86 સેમી છે. એનો અર્થ એ થયો કે ચોમાસા દરમિયાન કુલ આટલો વરસાદ થવો જોઈએ.

ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ થઈને આવે છે. 4 મહિનાના વરસાદ પછી, એટલે કે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું રાજસ્થાન થઈને પાછું આવે છે. એ 15થી 26 જૂનની વચ્ચે ઘણાં રાજ્યોમાં પહોંચે છે.

IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે અલ નીનોની સ્થિતિ વિકસિત થશે નહીં. દેશના ઘણા ભાગોમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે. એપ્રિલ અને જૂનમાં ગરમીના દિવસોની સંખ્યામાં વધારો થશે. આનાથી પાવરગ્રિડ પર દબાણ વધશે અને પાણીની અછત સર્જાશે. દેશના 52% કૃષિ વિસ્તાર ચોમાસા પર આધાર રાખે છે.

ચોમાસું પાણીના સ્ત્રોતોની અછતને પૂર્ણ કરે છે. વીજળી ઉત્પાદન માટે પણ પાણી જરૂરી છે. આવી સ્થિતિમાં સામાન્ય ચોમાસું મોટી રાહત આપે છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે હવે ચોમાસામાં વરસાદી દિવસોની સંખ્યા ઘટી રહી છે અને ભારે વરસાદ વધી રહ્યો છે. આના કારણે વારંવાર દુષ્કાળ અને પૂર આવી રહ્યા છે.

દેશમાં કુલ વરસાદના 70% વરસાદ ચોમાસા દરમિયાન થાય છે. દેશના 70%થી 80% ખેડૂતો પાકની સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે. આનો અર્થ એ થયો કે સારા કે ખરાબ ચોમાસાની સીધી અસર ઊપજ પર પડે છે. જો ચોમાસું ખરાબ હોય તો પાકનું ઉત્પાદન ઓછું થાય છે, જેનાથી ફુગાવો વધી શકે છે.

ભારતીય અર્થતંત્રમાં કૃષિક્ષેત્રનો હિસ્સો લગભગ 20% છે. એ જ સમયે કૃષિક્ષેત્ર દેશની અડધી વસતિને રોજગારી પૂરી પાડે છે. સારા વરસાદનો અર્થ એ છે કે ખેતી સાથે સંકળાયેલા લોકોને તહેવારોની મોસમ પહેલાં સારી આવક મળી શકે છે. આનાથી તેમની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે, જે અર્થતંત્રને મજબૂત બનાવે છે.

Leave a comment