આજે એટલે કે 16 એપ્રિલના રોજ સોનાના ભાવ ઓલટાઈમ હાઇ પહોંચ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,387 વધીને ₹94,489 થયો છે. અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹93,102 હતો.
આજે એક કિલો ચાંદીનો ભાવ ₹373 વધીને ₹95,403 પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદીનો ભાવ ₹95030 પ્રતિ કિલો હતો, જ્યારે 28 માર્ચે ચાંદી ₹1,00,934 ઓલટાઈમ હાઇ પર પહોંચી હતી અને 11 એપ્રિલે સોનાનો ભાવ ₹93,353 હતો.
સોનામાં વધારા માટે 3 કારણ
- અમેરિકાની ટેરિફ નીતિને કારણે ટ્રેડવોરનો ભય વધી ગયો છે. આનાથી અર્થતંત્રનો વિકાસદર ધીમો પડી શકે છે. વૈશ્વિક મંદીની આશંકા પણ વધી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે. મંદીના સમયમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે.
- ડોલર સામે રૂપિયાના નબળા પડવાના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આનું કારણ એ છે કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે એને આયાત કરવા માટે વધુ પૈસા ખર્ચ થાય છે. આ વર્ષે રૂપિયાનું મૂલ્ય લગભગ 4% ઘટ્યું છે, જેના કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.
- લગ્નની મોસમ નજીક આવી રહી છે, તેથી સોનાના દાગીનાની માગ વધી રહી છે. મુંબઈ, દિલ્હી અને ચેન્નઈ જેવાં શહેરોના ઝવેરીઓએ જણાવ્યું હતું કે ઊંચા ભાવ હોવા છતાં વેચાણ તેજીથી થયું હતું, કારણ કે લોકો સોનાને રોકાણ અને સમૃદ્ધિનું પ્રતીક માને છે.
અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડવોર અને મંદીના ભયને કારણે આ વર્ષે સોનું 3,700 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. ઈન્ટરનેશનલ રેટ મુજબ ગણતરી કરીએ તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 1.10 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. વિદેશી ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેને આ અંદાજ જાહેર કર્યો છે.
આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 18,327 રૂપિયા વધીને 94,489 રૂપિયા થયો છે તેમજ ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 9,386 રૂપિયા વધીને 95,403 રૂપિયા થયો છે તેમજ, ગયા વર્ષે એટલે કે 2024માં સોનું 12,810 રૂપિયા મોંઘું થયું હતું.
