જી. કે. જન. હોસ્પિ.ના મનોચિકિત્સા વિભાગમાં વધુ પડતી ઘેલછા ધરાવતા માનસિક દર્દીને આપી સારવાર

અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગમાં  ઉન્માદ,ઘેલછા જેને મેડિકલ વિજ્ઞાનમાં મેનિયા અગરતો બાય પોલર ડિસીઝ કહે છે એવા રોગના દર્દીઓની સંખ્યા આંશિક રીતે વધી હોય તેવું મનોચિકિત્સકોએ જણાવ્યું હતું.

આ રોગના કેટલાક દર્દીઓ પૈકી એકને ઉન્માદ એટલો જોવા મળ્યો કે,તેને મનોચિકિત્સા વિભાગમાં દાખલ કરી લગભગ એકાદ મહિનો જેટલી દવા,ઇન્જેક્શન અને ECT સારવાર આપી, તેની માનસિક સ્થિતિને પુનઃ પાટે ચડાવી હતી.એમ આ વિભાગના હેડ ડૉ.રિધ્ધિ ઠક્કરે જણાવ્યું હતું.

ડો.ઠક્કરે મેનિયા રોગ વિશે કહ્યું કે,આ ઉન્માદ પ્રકારના રોગમાં દર્દી પોતાની માનસિક સમતુલા ગુમાવી અસામાન્ય વ્યવહાર કરે છે જેમકે બોલે તો સતત બોલ્યા જ કરે,ગુસ્સો અને મોજ બંનેનું પ્રમાણ અમાપ હોય છે.ગજા બહારની વાતો કરવાનું શરૂ કરી દે છે.મળતાપણું બતાવે તો પણ અમર્યાદિત હોય છે.દર્દીને પોતાની મહાનતાનો એટલો ભ્રમ હોય છે કે,પોતે ખુબજ શક્તિશાળી છે.અહમ બ્રહ્માસ્મિ જેવા વિચારમાં જીવે છે તથા ભાવના અને   વ્યવહારમાં અસમાન વર્તનનું અંતર જોવા મળે છે.

આવા લક્ષણો સાથે દર્દી આવે તો,ચિકિત્સકને નિદાન માટે ખુબજ સાવધાની રાખવી પડે છે.દર્દીનો અને પારિવારિક ઇતિહાસ ચકાસી  નિદાન કરે છે.ઉન્માદનું પ્રમાણ વધુ જોવા મળે તો વોર્ડમાં દાખલ કરવાની પણ ફરજ પડે છે.

આમ આવા મેનિયા અને બાયપોલર ડિસીઝ પીડિત દર્દીને સફળ સારવાર આપવામાં આવી હતી,જ્યારે બીજી તરફ ઓપીડીમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીને સારવાર આપવામાં આવે છે. વોર્ડમાં ઉન્માદગ્રસ્ત દર્દીની લાંબી સારવારમાં ડો. બાંસિતા પટેલ, ડો.નિસર્ગ પરમાર અને ડો.ખુશી ગણાત્રા જોડાયા હતા.

Leave a comment