કચ્છમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ જનજીવન પ્રભાવિત કર્યું છે. ભુજમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. લઘુતમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું છે. બપોરના 12થી સાંજના 6 વાગ્યા સુધી રસ્તાઓ પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. તીવ્ર તાપ અને ગરમ પવનથી બચવા માટે વાહન ચાલકો વિશેષ સાવચેતી રાખી રહ્યા છે. સ્કૂટર અને બાઇક ચાલકો મોઢે રૂમાલ, માથે ટોપી અને આંખે ચશ્માં પહેરીને નીકળી રહ્યા છે. હવામાન વિભાગે આવતીકાલે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે.
ગરમીથી રાહત આપવા માટે ભચાઉમાં શ્રવણ કાવઙીયા આશ્રમ ખાતે નિ:શુલ્ક છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સંસ્થાના મહિલા અધ્યક્ષ આત્માનંદ માતાજી, ભચાઉ નગરપાલિકાના અધ્યક્ષ પેથાભાઈ રાઠોડ, વિકાશભાઈ રાજગોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓના આર્થિક સહયોગથી દરરોજ 400 લિટર છાસનું વિતરણ કરવામાં આવશે.
