મહિલાઓ ઘરના અન્ય સભ્યોનું ધ્યાન રાખવાની સાથે પોતાના શારીરિક અને માનસિક આરોગ્યની પણ કાળજી રાખે એમ સ્ત્રીરોગ નિષ્ણાત ડો. દિવ્યાબેન ટેકાણીએ ભુજ અદાણી સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમમાં માતૃત્વ અને બાળ ઉચ્છેર કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે,જે દિવસથી મહિલા પોતાના આરોગ્ય બાબતે સચેત બનશે ત્યારે જ પરિવાર, સમાજ અને દેશ આગળ આવશે.
અદાણી મેડિકલ કોલેજના વ્યાખ્યાન કક્ષમાં. આયોજિત સ્ત્રી સ્વાસ્થ્ય ઉપરના એક કાર્યક્રમમાં સક્ષમના વિધાર્થીઓ સમક્ષ બોલતા તેમણે મહિલાઓના આરોગ્ય પ્રત્યે કાળજી લેવાની સજાગતા દરેક કુટુંબના મોભીએ સામે ચાલીને બતાવવી જોઈએ એવું જણાવી મહિલાઓના આરોગ્યની સંભાળ અંગે ચર્ચા કરતા શિક્ષણ, પોષણક્ષમ આહાર,આરોગ્યની સંભાળ વિગેરે બાબતો સમજાવી હતી.
તેમણે મહિલા જ્યારે માતૃત્વ ધારણ કરે છે ત્યારથી બાળકના જન્મ અને ઉછેર સુધીની તમામ તબક્કાવાર પગલાંની સમજ આપી “તંદુરસ્ત શરીર સ્વસ્થ મનનું” સૂત્ર આપ્યું હતું.
આ પ્રસંગે સક્ષમના વિધાર્થીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.સેન્ટરના જુનિયર ઑફિસર ડો.પૂર્વી ગોસ્વામીએ કાર્યક્રમનો હેતુ જણાવ્યો હતો.સંચાલન મનીષ બાવલે કર્યું હતું.
