કચ્છ જિલ્લામાં ગરમીનું મોજું પ્રચંડ બન્યું છે. ભુજમાં આજે તાપમાન બે ડિગ્રી ઘટીને 41 ડિગ્રી નોંધાયું છે. જોકે, છેલ્લા એક સપ્તાહથી ભુજનું તાપમાન સતત 40 ડિગ્રીની ઉપર જ નોંધાઈ રહ્યું છે. દરિયા કિનારા નજીકના અંજાર-ગાંધીધામ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ વિકટ છે. અહીં ગઈકાલે મહત્તમ તાપમાન બે ડિગ્રી વધીને 45.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. આજે તેમાં થોડો ઘટાડો નોંધાયો છે. આકરી ગરમીના કારણે સમગ્ર વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી ગરમીનું આકરું મોજું યથાવત રહેશે. આ પરિસ્થિતિમાં માનવસેવી સંસ્થાઓએ જાહેર સ્થળોએ ઠંડી છાસ અને પાણીનું વિતરણ શરૂ કર્યું છે. રણ સરહદે આકરી ગરમી વચ્ચે પણ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. મધ્યાહ્ન સમયે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ગરમીના કારણે સમગ્ર જીવસૃષ્ટિ પર અસર થઈ રહી છે.
