અંજાર પોલીસે RTI એક્ટનો દુરુપયોગ કરી વેપારી પાસેથી ખંડણી વસૂલવાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી રોશન અલી સાંધાણી (રહે. મોટી નાગલપર, અંજાર) એ વેપારીના ભેડિયા વિસ્તારમાં જઈને ખોદકામ અને મશીનરીના ફોટા તથા વીડિયો લીધા હતા.
અંજાર તાલુકાના વીડી ખાતે ભેડિયા પર જઇ વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કરી પત્રકાર, આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ હોવાનું કહી મહિનાના હપ્તા આપવા, ખંડણી માગી રૂા. 5000 બળજબરીથી કઢાવી જનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
આરોપીએ વેપારીને ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપે તો આ ફોટા અખબારોમાં છપાવી દેશે અને ભેડિયો બંધ કરાવી નાખશે. આ રીતે તેણે વેપારી પાસેથી રૂ. 5 હજાર બળજબરીથી પડાવ્યા હતા.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું કે કેટલાક લોકો RTI એક્ટનો દુરુપયોગ કરી વેપારીઓને નિશાન બનાવે છે. તેઓ કન્સ્ટ્રક્શન, હોટલ, ટ્રાન્સપોર્ટ અને પ્રદૂષણ બોર્ડ સાથે જોડાયેલા વેપારીઓને ટાર્ગેટ કરે છે. આવા તત્વો સામે પોલીસમાં ફરિયાદ કરવા તેમણે નાગરિકોને અપીલ કરી છે.
અંજાર પોલીસે આરોપી વિરુદ્ધ IPC કલમ 308(5), 308(6), 115(2), 296(ખ) અને 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, કચ્છમાં મીડિયા કાર્ડનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
આ શખ્સની પોલીસે અટક કરી હતી. વીડી બગીચા મસ્જિદ પાસે રહેનાર ફરિયાદી અબ્દુલ ઓસમાણ જત નામનો યુવાન વીડીના એમ.જી. ભવનાણી નામના ભેડિયામાં કામ કરે છે. આ ભેડિયા પર ગત તા. 26/1ના નાગલપરનો રોશનઅલી સાંઘાણી આવી મોબાઇલમાં ફોટા પાડી, વીડિયોગ્રાફી કરીને ગયો હતો. બાદમાં તા. 27/1ના પરત આવી મોબાઇલમાં વીડિયોગ્રાફી કરતાં ફરિયાદીએ તેને અટકાવ્યો હતો. દરમ્યાન, આ શખ્સે હું પત્રકાર, આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ તથા એસ.ડી.પી.આઇ.નો પ્રમુખ છું, તમે ખનિજચોરી કરો છો. ભેડિયાના સમાચાર પ્રકાશિત કરી ભેડિયો બંધ કરાવી નાખીશ. ચાલુ રાખવો હોય તો મને દરમહિને હપ્તો આપવો પડશે. આસપાસના ભેડિયાવાળા મને હપ્તો આપે છે તેમ કહેતાં ફરિયાદીએ અમે કાયદેસરનું કામ કરીએ છીએ, હપ્તો નહીં આપીએ તેવું કહેતાં આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો આપી ફરિયાદીને નીચે પાડી દઇ માર માર્યો હતો. રાડારાડના પગલે અન્ય લોકોએ આવીને ફરિયાદીને છોડાવ્યો હતો, ત્યારે આરોપીએ હપ્તો આપવો જ પડશે નહીં તો શાંતિથી ધંધો કરવા નહીં દઉં અને આખી જિંદગી જેલમાં રહો તેવી ફરિયાદો કરી ભેડિયો બંધ કરાવી નાખવાની ધમકી આપી હતી. બાદમાં રૂા. 5000 બળજબરીથી કઢાવી લીધા હતા. ગત તા. 31/1ના કરાયેલ અરજી અંગે પોલીસે આજે બપોરે ફરિયાદ નોંધી આરોપીની અટક કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
