જી.કે.જન. અદાણી હોસ્પિ.ના ચીફ મેડિ. સુપ્રિ.એ આરોગ્યનું પગેરું શોધતા (હેલ્થ ટ્રેકર્સ) આધુનિક ઉપકરણોની ઉપયોગિતા સમજાવી

જેમ જેમ મેડિકલ વિજ્ઞાન અને ટેક્નોલોજી તરક્કી કરી રહ્યું છે, તેમ લોકો પણ પોતાના આરોગ્ય પરત્વે જાગૃત બની રહ્યા છે અને જાણવા ઉત્સુક છે કે તેમના અંગ ઉપાંગ કેટલી માત્રામાં કામ કરી રહ્યા છે.પરંતુ આ જાણવું પ્રત્યક્ષ રીતે તો અઘરું છે, ત્યારે શરીરની ગતિવિધિ જાણવા હેલ્થ ટ્રેકર્સ(આરોગ્ય પગી) ઉપયોગી બની રહ્યા છે,જે  મોબાઈલ એપ્સ અને નાના ડિવાઇસર્સ રૂપે ઉપલબ્ધ છે.

૭મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું કે, હેલ્થ ટ્રેકર્સ નાના પરંતુ સ્માર્ટ ડિવાઇસર્સ છે,જે સ્માર્ટ વોચ,મોબાઈલ એપ્સ અને રિંગ્સ રૂપે જોવા મળે છે.જેના વડે હાર્ટ રેટ,ઓક્સિજન સ્તર,સ્ટેપ કાઉન્ટ,સ્લીપ ટ્રેકિંગ,કેલેરી બર્ન વિગેરે જાણી શકાય છે.

તેમણે કહ્યું કે,જો હેલ્થ ટ્રેકર્સ શરીરની કોઈપણ ગતિવિધિની માહિતી આપે તો નજર અંદાઝ કરવી નહીં.પાણી પીવા,ચાલવા,ઊંઘવા,ધડકન અંગે જરૂરી ડેટા સહિત શારીરિક અસામાન્ય ગતિવિધિ  સૂચિત કરે તો  તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.આ પ્રકારે હેલ્થ ટ્રેકર્સ એક પ્રકારના હેલ્થ ઇન્ફોર્મેશન પ્રોવાઇડર બની રહ્યા છે.

હેલ્થ ટ્રેકર્સમાં હાર્ટ રેટ મોનીટર વ્યક્તિ જ્યારે ઝડપથી ચાલે છે કે દોડે છે અગરતો કસરત કરે છે ત્યારે હૃદયની ધડકન સાંભળી તેના પ્રમાણ ઉપર નજર રાખે છે.જ્યારે સ્લીપ ટ્રેકિંગ ઊંઘની ગુણવતા ચકાસે છે અને દર્શાવે છે કે વ્યક્તિએ કેટલો સમય ગાઢ, તૂટક કે અધૂરી નિદ્રા લીધી છે.અને ઊંઘની ખલેલ ઉપર પણ ધ્યાન રાખે છે.કેટલાક સ્માર્ટ વોચ તો ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ દર્શાવતા હોય છે. 

આ હેલ્થ ટ્રેકર્સના ડેટા જોઈ હેલ્થ ગોલ્સ સેટ કરી શકાય.વજન,કેલેરી બર્ન,સ્ટ્રેસ સુધાર કરવા નાના લક્ષ્ય બનાવી આગળ વધી શકાય અને પ્રતિ અઠવાડિયે ચેક કરી જોઈ શકાય કે સુધારો કેટલો છે.હેલ્થ ડેટા તો માત્ર જાણકારી આપે છે, પરંતુ સાચું સ્વાસ્થ્ય તો વ્યક્તિના હાથમાં છે.

આ ઉપરાંત કેટલાક ડિવાઇસર્સ વજન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે અને સતત અપડેટ કરે છે.એવા પણ ઉપકરણો ઉપલબ્ધ છે, જે માનસિક શાંતિ અને મેડિટેશન અંગે પણ શરીરમાંથી ડેટા મેળવી ઉપભોક્તાને આપે છે. વ્યક્તિ દિવસ દરમિયાન કેટલા પગલાં ચાલી છે તેના આંકડા પ્રસ્તુત કરે છે.કયા સમયે કેટલા સ્ટેપ ભર્યા તેની સંપૂર્ણ વિગત ટકાવારી સહિત આપે છે.સાથે કેલેરી બર્ન અને કુલ સમય પણ દર્શાવે છે.

Leave a comment