કચ્છના પ્રખ્યાત યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં ચૈત્રી નવરાત્રિની ભવ્ય શરૂઆત થઈ છે. શનિવારે રાત્રે નવ કલાકે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપનની વિધિ કરવામાં આવી હતી. આચાર્ય શાસ્ત્રી દેવકૃષ્ણ મૂલશંકર વાસુ અને અન્ય ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરી હતી.
માતાનામઢમાં અશ્વિન નવરાત્રિની જેમ જ ચૈત્રી નવરાત્રિ પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. આ પવિત્ર પ્રસંગે પૂજારી અને તિલાટ પરિવારના ગજુભા ચૌહાણ, સિધ્ધરાજસિંહ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટીઓમાં પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી અને ચંદ્રભુજ ભાનુશાલી હાજર રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા, હિતુભા જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા અને સાંગસિંહ સોઢા સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. રવિવારથી નવ દિવસ સુધી ચાલનારા આ પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
