અદાણી મેડિકલ કોલેજમાં વિશ્વ ટી.બી. દિવસ નિમિતે  કોન્ફરન્સ યોજાઈ

અદાણી મેડિકલ કોલેજમાં વિશ્વ ટી.બી. દિવસ નિમિતે આયોજિત કોન્ફરન્સમાં ટી.બી.માટે ઉપલબ્ધ આધુનિક નિદાન તથા સારવાર અને તેના  નિર્મૂલન માટેની કાર્યવાહી અંગે તબીબોને અવગત કરવામાં આવ્યા હતા તેમજ ટી.બી.અટકાવવા પ્રતિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

મેડિકલ કોલેજના વ્યાખ્યાન ખંડમાં ગેઈમ્સના ડાયરેક્ટ ડો.બાલાજી પિલ્લાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બોલતા જિલ્લા ટી.બી.અધિકારી ડો.મનોજ દવેએ  ટી.બી. અંતર્ગત હાથ ધરાતા સંશોધન અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,દર્દીના ગાઢ સંપર્કમાં રહેતા લોકોને ચેપ લાગ્યો છે કે નહિ તે ટેસ્ટની ઉપલબ્ધતા વિશે જણાવી ઉમેર્યું કે  જો ચેપ જણાય તો એ દિશામાં સારવાર પણ ઉપલબ્ધ છે,તેમણે વધુમાં જણાવ્યું કે,નિદાન,સારવાર અને જાગૃતિ દ્વારા  આ રોગ દૂર કરી શકાય.

આ પ્રસંગે અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે કહ્યું કે,આ રોગના શોધક જર્મન ડો.રોબર્ટ કોચની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે,તેમણે તમામ હેલ્થ કેર સંશાધનના સથવારે ભારતમાંથી  ટી.બી.ની નાબૂદી માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ ચાલતા ટી.બી કાર્યક્રમ અંગે જણાવ્યું હતું.

પ્રારંભમાં જી.કે.જનરલ હોસ્પિટલના રેસ્પીરીટરી મેડિસિન પ્રોફેસર ડો.કલ્પેશ પટેલે ટી.બી.તેમજ તેમાં આવતા રેઝીસ્ટન્ટ અને સારવાર સહિત પ્રૅઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે જુદી જુદી શાખાના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

પોસ્ટર હરીફાઈ યોજાઈ

અદાણી મેડિકલ કોલેજમાં માઇક્રોબાયલોજી વિભાગ દ્વારા વિશ્વ ટી.બી.દિવસ નિમિતે પોસ્ટર હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં એમ.બી.બી.એસ.ના ૧૮ વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રથમ ત્રણ ક્રમાંકિતને ઇનામ તેમજ તમામને પ્રમાણ પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.માઇક્રોબાયલોજી વિભાગના હેડ ડૉ.હિતેશ આસુદાની અને આસી.પ્રો.શિલ્પા સુપેકરે આયોજન સંભાળ્યું હતું.પોસ્ટરમાં ટી.બી.ની તમામ બાબતો વણી લેવામાં આવી હતી.

Leave a comment