રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગતા દોડધામ મચી હતી. હાલ આગ 80 ટકા કાબૂમાં આવી ગઇ છે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવતા 7થી 8 વાગ્યા જેટલો સમય લાગી શકે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ ચાર ગાડી સ્થળે બોલાવામાં આવી છે. હાલમાં 50થી વધુ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. શરૂઆતમાં આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાયા હતાં.
KBZ ફૂડ લિમિટેડ નામનીના એચઆર મેનેજર સત્યજિત ઝાલાએ જણાવ્યું કે, અહીં સવારે 9 વાગ્યાનો સમય છે. 9.15 આસપાસ મને કોલ આવ્યો હતો કે, કંપનીમાં આગ લાગી છે, જેથી મેં તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી. હું ચોખડા સર્કલથી ફાયરની ગાડીઓ સાથે જ આવ્યો હતો. વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું તમામ મટિરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. કંપનીમાં 200થી 250 જેટલા કર્મચારી કામ કરે છે, તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતાં.
રાજકોટ તાલુકા મામલતદાર કે. એસ. મકવાણાએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના સુકલ પીપળીયા ગામે KBZ કંમનીમાં આગ લાગેલી છે. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પણ બોઈલર ઉપર આગ લાગવાથી વધુ ફેલાઈ હોઈ તેવું જાણવા મળ્યું છે. હાલમાં ફાયર વિભાગની મદદથી આગ કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યાં છે.
કંપનીના ફાયર ઈનઓસી અંગે સવાલ કરતા જણાવ્યું કે, હાલમાં અમે તેની તપાસ કરી નથી. હાલમાં તો આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ છે. કોઈ માનવ મૃત્યુ થયાનું અમારી ધ્યાને આવેલ નથી. માલ-મિલકતને નુકસાન થયું હોય તેવું જણાઈ છે. આગ લાગી ત્યારે અંદર રહેલા કર્મચારી બહાર આવી ગયાં હતાં.
આ મામલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પીપણિયાની બાજુમાં KBZ ફૂડ લિમિટેડ નામની કંપનીમાં સવારે 9:25 મિનિટે અમને આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેને પગલે તરત જ એક ટીમ રવાના કરવામાં આવી હતી. આગ મોટી હોવાની જાણ થતાં થોડીવાર બાદ અન્ય ચાર મળીને કુલ ચાર-પાંચ ટીમો બોલાવવામાં આવી છે અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. વાંકાનેર મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. હાલ ફાયરની ત્રણ ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. થોડીવારમાં બીજી બે ટીમો પહોંચી જશે. જેના કારણે આગ પર ઝડપથી કાબૂ મળી જવાની શક્યતા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજકોટ મનપાનાં ફાયર ઓફિસર આર. એ. જોબને જણાવ્યું હતું કે, હાલ 50 જેટલા ફાયરના જવાનોની ટીમો આગ પર કાબુ મેળવવા કામ કરી રહી છે. આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હતી, જેના ઉપર મિકેનિકલ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નુક્સાનીનો હજુ કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ આગ લાગી ત્યારે અંદર કોઈ નહીં હોવાની ખાતરી અગાઉ જ કરી લેવામાં આવી છે. જેથી જાનહાનિ થવાની કોઈ શક્યતા નથી. હાલ ચાર ગાડીની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને પાંચમી ગાડી ટૂંક સમયમાં જ આવી રહી છે. પાણી માટે ફેકટરીમાં આવેલા મોટા ટાંકામાંથી પાણી લેવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આગ કાબુમાં આવી જાય તેવી શક્યતા છે.
