જો તમે તમારો પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો પરંતુ આર્થિક રીતે સક્ષમ નથી, તો તમે પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જેનરેશન પ્રોગ્રામ (PMEGP) લોન યોજનાની મદદ લઈ શકો છો. PMEGP એ ક્રેડિટ-લિંક્ડ સબસિડી યોજના છે.
આ અંતર્ગત, મેન્યુફેક્ટરિંગ સેક્ટરમાં 50 લાખ રૂપિયા અને સર્વિસ સેક્ટરમાં 20 લાખ રૂપિયા સુધીના પ્રોજેક્ટ્સ માટે લોન આપવામાં આવે છે. આમાં, બિઝનેસ શરૂ કરનાર વ્યક્તિએ પ્રોજેક્ટના કુલ ખર્ચના 5% પોતે કાઢવાના હોય છે. બાકીની રકમની બેંક લોન તરીકે મળે છે. 5 નાણાકીય વર્ષ (2021-22 થી 2025-26) માટે (PMEGP) માટે 13,554 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
આ યોજના હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં લાભાર્થીઓને 35% સબસિડી મળે છે અને શહેરી વિસ્તારોમાં, તેમને 25% સબસિડી મળે છે. 10 લાખ રૂપિયા સુધીની લોન માટે કોઈપણ પ્રકારની ગેરંટીની જરૂર નથી.
આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પરંપરાગત કારીગરો અને બેરોજગાર યુવાનોને એકસાથે લાવવાનો અને નાના બિઝનેસ સ્થાપીને સ્વરોજગારીની તકો ઊભી કરવાનો છે, જેથી ગ્રામીણ યુવાનોનું શહેરી વિસ્તારોમાં સ્થળાંતર અટકાવવામાં મદદ મળી શકે.
રાષ્ટ્રીય સ્તરે, આ યોજના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. તે MSME મંત્રાલય હેઠળ કાર્યરત એક વૈધાનિક સંગઠન છે, જે એકમાત્ર નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.
પાત્રતાની શરતો
- ભારતીય નાગરિક હોવું જરૂરી છે.
- અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- અરજદાર ઓછામાં ઓછું 8 ધોરણ પાસ હોવો જોઈએ.
- જે બિઝનેસને અન્ય સરકારી સબસિડીનો લાભ મળી રહ્યો છે તેમને કોઈ મદદ મળશે નહીં.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- PMEGP ના વિકલ્પ પર ક્લિક કરો. આનાથી પીએમ એમ્પલોયમેન્ટ જેનરેશન પ્રોગ્રામનું પેજ ખુલશે.
- નવા યુનિટ માટે અરજી કરવા માટે અરજી કરો બટન પર ક્લિક કરો.
- અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી બધી માહિતી ભરો.
- ઘોષણા ફોર્મ પર ટિક કરો અને સેવ એપ્લિકેશન ડેટા પર ક્લિક કરો.
- આ સાથે તમારું અરજી ફોર્મ સબમિટ થઈ જશે અને તમને યુઝર આઈડી, પાસવર્ડ મળશે.
અરજદારને આ દસ્તાવેજોની જરૂર પડશે
- જાતિ પ્રમાણપત્ર
- ખાસ કેટેગરીનું સર્ટિફિકેટ, જ્યાં જરૂર હોય ત્યાં
- રૂરલ એરિયા સર્ટિફિકેટ
- પ્રોજેક્ટ રિપોર્ટ
- શિક્ષણ/ EDP/ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સર્ટિફિકેટ
