કોઈપણ શારીરિક બીમારી જેમકે ડાયાબિટીસ કે બી.પીની સારવાર માટે સ્ટીગ્મા અર્થાત્ શરમ,સંકોચ કે લાંછન નથી તો માનસિક બીમારીમાં સંકોચ શામાટે રાખવો જોઈએ.પરંતુ આવો સંકોચ પ્રવર્તે છે. સ્ટીગ્મા માત્ર લોકોમાં જ નહીં પણ માનસિક બીમાર વ્યક્તિઓમાં પણ વતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના મોનોચિકિત્સા વિભાગના ડો.બંસીતા પટેલે અત્રે માનસિક સારવાર માટે આવતા દર્દીઓ પૈકી ૨૦૦ જેટલા દર્દીઓનો અભ્યાસ કરી ડો.મહેશ ટીલવાનીની રાહબરી તળે મનોચિકિત્સા ઉપર એક સંશોધન પત્ર હૈદરાબાદ ખાતે મળેલી રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં રજૂ કરી તારણ આપ્યું કે,લોકોમાં તો સ્ટીગ્મા જોવા મળે છે, પણ સાથે સાથે માનસિક રોગથી પીડિત દર્દીઓમાં અને તેમની સાથે આવતી નજીકની વ્યક્તિમાં પણ જોવા મળે છે.
આ વિભાગના મનોચિકિત્સક ડો.રિધ્ધિ ઠક્કરની દોરવણી હેઠળ દર્દીઓ ઉપરાંત તેમની સંભાળ રાખતી વ્યક્તિઓ ઉપર કેવી અસર છે, તેનો પણ અભ્યાસ કર્યો હતો. આવી ગેરમાન્યતા વ્યક્તિના અભ્યાસ,ઉમર, સ્ત્રી – પુરુષ ભેદ કે આર્થિક પરિસ્થિતિ જવાબદાર નથી, તેમજ નથી શહેર કે ગામડાંનું વાતાવરણ જવાબદાર, કોઈને કોઈ પણ સંજોગોમાં આવો સ્ટીગ્મા હોય છે.
જેઓ માનસિક રીતે બીમાર હતા તેમનામાં સંકોચ વિશે સંશોધન કરતા જાણવા મળ્યું કે,તેઓ સમાજથી અલગ પડી ગયા છે.તેમની જીવન ગુણવતા ઘટી ગઈ છે.માનસિક વિકાસ અટકી ગયો છે. લોકો ઉપરાંત ઘરના પણ તેમનાથી દૂર રહેવા ઈચ્છે છે.એવું તેમને લાગી રહ્યું છે, છતાં સારવાર માટે આવો સ્ટીગ્મા જોવા મળ્યો હતો.
આ બીમારી ઓછી કરવા માટે જાગૃતિ અંગેના જુદા જુદા પ્રયત્નો પણ સેમિનારમાં ઉજાગર કર્યા હતા. ડો.પટેલના સંશોધન પત્રને સાનુકૂળ પ્રતિસાદ મળ્યો હતો.
