રાપર લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતી અને રામનવમીની ભવ્ય ઉજવણી માટે આયોજન

રાપર લોહાણા સમાજ દ્વારા આગામી દિવસોમાં સમાજના ઈષ્ટદેવ દરિયાલાલ જયંતી અને રામનવમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. બંને ઉત્સવ દરમિયાન પરંપરાગત મહાઆરતી, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી બીજની પૂર્વ સંધ્યાએ સમાજના કલાકાર અશોક સચદે દ્વારા હાઉઝી અને ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન લોહાણા મહાજન દ્વારા યુવક મંડળ અને મહિલા મંડળના સહયોગથી કરવામાં આવ્યું છે.

પ્રમુખ રાજેશભાઈ ચંદેની અધ્યક્ષતામાં યોજાયેલી જનરલ મિટિંગમાં સમાજના દિવંગતો સ્વ. વસંતલાલ દયારામ આદુઆણી અને ખેતશીભાઈ લવજી રાજદેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહામંત્રી પ્રભુલાલ રાજદે દ્વારા નવી કારોબારીના સભ્યો અને વિવિધ સમિતિઓના ચેરમેનોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ચૈત્રી બીજના દિવસે અડધો દિવસ અને રામનવમીના દિવસે સમાજના વેપારીઓને ધંધો બંધ રાખી ઉજવણીમાં જોડાવા અનુરોધ કરાયો છે. નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કરનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે સમાજ અને શહેરના વિકાસ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં લોહાણા મહાજન, યુવક મંડળ, મહિલા મંડળ અને જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલયના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રફુલ્લ ચંદે અને કલ્પેશ રાજદેએ કર્યું હતું, જ્યારે આભારવિધિ યુવક મંડળના પ્રમુખ મહેશ ઠક્કરે કરી હતા.

Leave a comment