કિડનીના રોગથી બચવું હોય તો સતર્કતા વધારવી જરૂરી છે અને આ સતર્કતા મેદસ્વીતા,સુગર અને હાઈ બી.પી.ના નિયંત્રણથી શરૂ થાય છે.આ બાબતને ધ્યાનમાં લઈ,વિશ્વ આરોગ્ય સંસ્થાએ થીમ આપી છે કે,તાત્કાલિક તપાસ કરાવો કિડની સ્વસ્થ રાખો અને તંદુરસ્ત રહો” .ભારત માં અંદાજિત 20 કરોડ લોકો કિડની થી પીડાય છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ અને કિડની રોગના નિષ્ણાત ડો.હર્ષલ વોરાએ ૧૩ મી માર્ચ વિશ્વ કિડની દિવસની ઉજવણી નિમિતે જણાવ્યું કે,કિડનીના રોગમાં તપાસનું ખૂબ મહત્વ છે, કેમકે ખ્યાલ પણ નથી આવતો એ રીતે રોગ આગળ વધે છે અને જ્યારે ખબર પડે ત્યારે ગંભીર રૂપ ધારણ કરી લીધું હોય છે.
કિડની રોગ મુખ્યત્વે ડાયાબિટીસને કારણે ઉપરાંત હાઈ બીપી,પથરી, મેદસ્વિતાને લીધે થાય છે.ઉપરાંત વારસાગત બીમારી,જન્મજાત ખામીઓ,પેશાબ ની સમસ્યાઓ અને ગ્લોમેરુલો નેફ્રેટીટીસ પણ એના માટે જવાબદાર છે.
એટલેજ નિયમિત તપાસ કરાવવી જરૂરી છે,એમ જણાવી ડો.વોરાએ આ રોગના લક્ષણો અંગે કહ્યું કે, હાઈ બીપી,પગ અને મોઢા ઉપર સોજા,ઉલ્ટી ઊબકા,પેશાબ ઘટવો અને પેશાબમાં ફીણ આવવું,પેશાબમાં લોહી પડવું,રાત્રે વારંવાર પેશાબ,સામન્ય કામમાં થાક,ભૂખ ઓછી લાગવી,વજન ઘટ્યું એવું જણાય અને એનિમિયા જેવા ચિહ્નો જણાય તો તપાસ જરૂરી બને છે.
નિદાન બાબતે તબીબના જણાવ્યા મુજબ પ્રાથમિક રીતે કિડનીના રોગના નિદાન માટે સીરમ ક્રીટેનિન (creatinine), યુરિન રૂટિન (પેશાબ ની તપાસ) અને સોનોગ્રાફી વિગેરે રિપોર્ટ જરૂરી છે.
આ રોગથી સુરક્ષિત રહેવા અંગે તબીબ કહે છે કે, બીપી અને ડાયાબિટીસ નિયંત્રણમાં રાખો,ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહો તેમજ વધુ પડતી દુઃખાવાની દવા લેવી નહીં, વિકમાં પાંચ દિવસ વ્યાયામ કરો અને કિડનીના રોગની કોઈ પણ દવા નિષ્ણાતની સલાહ વિના લેવાનું ટાળવું. ઉપરાંત કોઈપણ પ્રોટીન સપ્લિમેન્ટ એક્સપર્ટની સલાહ વિના લેવું નહીં. કિડનીની બીમારી હોય તો નિયમિત પણે કિડની ના ડોક્ટર ના સંપર્કમાં રહેવું..
