ખડગેના એક શબ્દ પર સંસદમાં સંગ્રામ

બજેટ સત્રના બીજા દિવસે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ખરેખરમાં દિગ્વિજય સિંહ બોલતા હતા તે સમયે ખડગે સીટ પર ઉભા થઈ ગયા હતા. જેના પર ઉપાધ્યક્ષ હરિવંશે તેમને અટકાવ્યા. આ તરફ ખડગેએ કહ્યું- આ કઈ સરમુખત્યારશાહી છે? હાથ જોડીને હું તમારી પાસે બોલવાની મંજુરી માંગી રહ્યો છું.

આ પછી હરિવંશે કહ્યું કે તમે સવારે બોલી ચુક્યા છો. હવે દિગ્વિજય સિંહને બોલવાનો મોકો છે, તો કૃપા કરીને બેસો. આ પછી ખડગેએ કહ્યું- તેઓ તો ચોક્કસ બોલશે, અમે સરકારને પણ ઠોકીશું. જ્યારે હરિવંશે તેમના નિવેદન પર વાંધો ઉઠાવ્યો તો તેમણે કહ્યું કે અમે સરકારની નીતિઓની ટીકા કરવાની વાત કરી રહ્યા છીએ.

કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉપાધ્યક્ષ હરિવંશને કંઈક એવું કહ્યું જેનાથી ભારે હોબાળો થયો. આ માટે ભાજપે તેમના પર નિશાન સાધ્યું અને માફીની માંગણી કરી. મામલો વધતો જોઈને મલ્લિકાર્જુન ખડગેએ માફી પણ માંગી હતી. તેમણે હાથ જોડીને સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે તેઓ તમારા પર નહીં પરંતુ સરકારને ઠોકશે. અમે સરકારની વાત કરતા હતા.

ખડગેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું- વિપક્ષના નેતા તરફથી આ પ્રકારની ભાષા કોઈપણ સ્વરૂપે સ્વીકાર્ય નથી. તેમણે માફી માંગવી જોઈએ. તેમણે ઉપાધ્યક્ષ હરિવંશ પાસેથી માગણી કરી કે આવા શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવા જોઈએ. આવી ભાષા અત્યંત નિંદનીય છે અને ક્ષમાને લાયક નથી.

ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાના ઉદ્દેશ્ય સાથે મંગળવારે લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. અમિત શાહ વતી ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદરાયે બિલ રજૂ કરતી વખતે જણાવ્યું હતું આ બિલ કોઈને દેશમાં આવતા રોકવા માટે લાવવામાં આવ્યું નથી, બલ્કે આ બિલનો હેતુ એ છે કે જે પણ વિદેશીઓ ભારતમાં આવે છે તેઓ અહીંના નિયમોનું પાલન કર્યા પછી જ અહીં આવે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને ટીએમસીના સૌગતા રોયે આ બિલનો વિરોધ કર્યો છે.

મંગળવારે બજેટ સત્રના બીજા દિવસે વિપક્ષના સાંસદોએ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)અને ટ્રાય-લેંગ્વેજ મામલે સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. DMK સાંસદ કનિમોઝી અને અન્ય સાંસદોએ કાળા કપડાં પહેરીને ધર્મેન્દ્ર પ્રધાનની તમિલનાડુ પર કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. તેમણે પ્રધાનને માફી માંગવા કહ્યું હતું.

કેન્દ્ર સરકારે NEP હેઠળ, ત્રણ ભાષાઓ સ્થાનિક ભાષા સિવાય, અંગ્રેજી અને હિન્દી શીખવવાનું ફરજિયાત બનાવ્યું છે. તમિલનાડુ સરકાર આનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે હિન્દી જાણી જોઈને આપણા પર થોપવામાં આવી રહી છે. ડીએમકેના સાંસદો આનો વિરોધ કરી રહ્યા છે.

વિવાદ પર શિક્ષણ મંત્રીએ કહ્યું- ડીએમકેના લોકો તમિલનાડુના વિદ્યાર્થીઓ માટે પ્રતિબદ્ધ નથી. તેઓ તમિલનાડુના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. તેમનું એકમાત્ર કાર્ય ભાષામાં અવરોધો ઉભા કરવાનું છે. તેઓ રાજકારણ કરી રહ્યા છે.

ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર તમિલનાડુના પૈસા રોકી રહી છે. અમારે ત્રણ ભાષાની નીતિ અને NEP પર સહી કરવી પડશે. તેઓ તમિલનાડુના બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. તેમને તમિલનાડુના બાળકોને આપવામાં આવતા ફંડને રોકવાનો કોઈ અધિકાર નથી.

Leave a comment