ભુજમાં અંધજન મંડળ કે.સી.આર.સી. દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આવાસ ફાઇનાન્સિયલ લિમિટેડના સહયોગથી કચ્છના સાંસદ અને ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કચ્છના 25 દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીના આધુનિક કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક કૃત્રિમ પગની કિંમત આશરે 30 થી 32 હજાર રૂપિયા છે. કાર્યક્રમની શરૂઆતમાં વિનોદભાઈ ચાવડાએ દિવ્યાંગો અને મહેમાનોની હાજરીમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના મંત્રી પ્રફુલસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કર, ભુજ તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોધાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આવાસ ફાઇનાન્સ લિમિટેડના અધિકારી અજયભાઈ ઉગાણી અને રિષભભાઈ વાયા પણ હાજર રહ્યા હતા.
નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણે પુષ્પગુચ્છ અર્પણ કરી સાંસદ વિનોદભાઈ ચાવડાનું સન્માન કર્યું. કાર્યક્રમનું સંચાલન અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલે કર્યું હતું. અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. ભરતભાઈ જોશીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
