રિલાયન્સને સરકારે ફટકારી 24500 કરોડની ડિમાન્ડ નોટિસ

ઓઇલ ઍન્ડ નેચરલ ગેસ કૉર્પોરેશન(ઓએનજીસી)ના બ્લોકમાંથી ગેસ ઉત્પાદિત કરવા બદલ કેન્દ્ર સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને BP Plc સહિત તેના પાર્ટનર્સને 2.81 અબજ ડૉલર(રૂ. 24500 કરોડ)ની ડિમાન્ડ નોટિસ ફટકારી છે. 

આ પગલું દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવેલા 14 ફેબ્રુઆરીના ચુકાદાને અનુસરીને લેવામાં આવ્યું છે, હાઇકોર્ટે રિલાયન્સ અને તેના પાર્ટનર્સને જવાબદારીમાંથી મુક્તિ આપનારા અગાઉના આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના નિર્ણયને ઉલટાવી વળતરની માગ કરતો આદેશ આપ્યો હતો. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે કોર્ટના ચુકાદાને આધીન પીએસસી કોન્ટ્રાક્ટર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બીપી એક્સપ્લોરેશન (આલ્ફા) લિ. અને નિકો (NECO) લિ. પાસે 2.81 અબજ ડૉલરનું વળતર ચૂકવવાની માગ કરતી ડિમાન્ડ નોટિસ પાઠવી છે.

ઓએનજીસીને શંકા હતી કે તેના KG-DWN-98/2 (KG-D5) અને G-4 બ્લોકમાંથી નેચરલ ગેસ રિલાયન્સના કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં KG-DWN-98/3 (KG-D6) બ્લોકમાં માઇગ્રેટ થઈ રહ્યો છે. ઓએનજીસીએ દાવો કર્યો હતો કે બ્લોકની સીમા પર રિલાયન્સ દ્વારા ખોદવામાં આવેલા ચાર કૂવાઓ તેનો ગેસ ભંડાર માઇગ્રેટ કરી રહ્યા છે. ઓએનજીસીની ફરિયાદ બાદ, વૈશ્વિક સલાહકાર ડીગોલિયર અને મેકનોટન (D&M) દ્વારા એક સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, 2015માં બે બ્લોક વચ્ચે જોડાણ છે અને ગેસ સ્થળાંતરના જથ્થાનું પ્રમાણ પણ નક્કી કર્યું હતું. જેથી સરકારે હસ્તક્ષેપ કરીને રિલાયન્સ અને તેના પાર્ટનર્સને વળતર આપવા ફરજ પાડી છે.

કૃષ્ણા ગોદાવરી બેસિન બ્લોક KG-DWN-98/3 (KG-D6)માં રિલાયન્સ 60 ટકા, જ્યારે બીપી 30 ટકા અને નિકો 10 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીઓ પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ હેઠળ નેચરલ ગેસનું ઉત્પાદન કરે છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ 2023માં અપીલ કરી આ અંગે ફરિયાદ કરી હતી. રિલાયન્સે અગાઉ જણાવ્યું હતું કે, તે આ મામલે દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પડકારશે. 

Leave a comment