વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ જણાવ્યું હતું કે વિશ્વમાં ૧૨થી ૩૫ વર્ષની વયના લગભગ એક અબજથી વધુ લોકોમાં ઓછું સાંભળવાની કે બહેરાપણાનું જોખમ હોઈ શકે છે. વિડીયો ગેમિંગ અને હેડ ફોનની તેજ આવાજને તેનું મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. ઓછું સંભળાવવાની કે બહેરાપણાની આ તકલીફ ભારત સહિત આખા વિશ્વમાં વધી રહી છે. છ કરોડ ભારતીયો પણ તેનો સામનો કરી રહ્યા છે.
કેટલાક દાયકાઓ પહેલા તો બહેરાપણુ કે ઓછુ સાંભળવાની તકલીફ ફક્ત ઉંમરલાયક લોકોમાં જ જોવા મળતી હતી. જો કે હવે આ તકલીફ નાની વયના લોકોમાં પણ જોવા મળી રહી છે અને બાળકો સુદ્ધા પણ તેમાથી બાકાત નથી.
વિશ્વ વ્યાપાર સંગઠનના જણાવ્યા મુજબ ભારતની વસ્તીનો ૬.૩ ટકા હિસ્સો એટલે કે લગભગ ૬.૩ કરોડ લોકો સાંભળવાની ક્ષમતામાં ગંભીર ઘટાડો કે બહેરાપણાનો સામનો કરી રહ્યા છે. તેમા પણ કેટલીક આદતો આ મુશ્કેલીને વધારી રહી છે.
મેડિકલ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે સાંભળવાની ક્ષમતામાં કમીનો એક મોટો હિસ્સો ૦થી ૧૪ વર્ષના વયવાળા લોકોનો છે. ૨૦૧૧ની ભારતીય વસ્તી ગણતરીમાં જણાવાયું હતું કે ૧૯ ટકા લોકોને સાંભળવામાં તકલીફ હતી.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જીવનશૈલી સાથે સંલગ્ન કેટલીક ગરબડો તેની પાછળનું મુખ્ય કારણ છે. સંશોધકોએ જણાવ્યું હતું કે જે લોકો વિડીયોગેમ વધારે રમે છે અને હેડફોન કે ઇયરફોન લગાવેલા રાખે છે તથાઊંચા અવાજે સાંભળતા રહે છે તેમની સાંભળવાની ક્ષમતા ઓછી થવાનું જોખમ વધારે પ્રમાણમાં જોવામાં આવી રહ્યું છે.
વિશ્વ આરોગ્ય સંઘઠને ચેતવણી આપતા જણાવ્યું હતું કે ૧૨થી ૩૫ વર્ષની ઉંમરના એક અબજથી વધુ લોકો સાંભળવાની ઓછી ક્ષમતાવાળા હોઈ શકે છે અથવા તો તેમને બહેરાપણાનું જોખમ હોઈ શકે છે.
