કચ્છની ભચાઉ અને રાપર નગરપાલિકામાં ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું છે. બંને નગરપાલિકાઓમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. ભચાઉ નગરપાલિકામાં કુલ 28 બેઠકો પૈકી તમામ બેઠકો ભાજપે જીતી છે. તેમાંથી 17 બેઠકો તો બિનહરીફ જીતી લીધી હતી. અનુસૂચિત અનામત બેઠક હોવાથી પેથા વસતા રાઠોડને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાપર નગરપાલિકામાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઇ ચૌધરી, ઇન્ચાર્જ મામલતદાર એમ.કે. રાજપૂત અને ચીફ ઓફિસર રવાજી જાડેજાની ઉપસ્થિતિમાં આ વરણી થઈ હતી. બેઠકમાં ભાજપના 21 અને કોંગ્રેસના 7 સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખ પદે ચાંદભાઇ ભીંડે (વોર્ડ 4)ની વરણી થઈ છે. તેમના નામની દરખાસ્ત મહાવીરસિંહ જાડેજાએ મૂકી હતી. ઉપપ્રમુખ તરીકે બબીબેન માનસંગભાઇ સોલંકી (વોર્ડ 3)ની નિમણૂક થઈ છે. તેમના નામની દરખાસ્ત રાણાભાઈ પરમારે કરી હતી.
અન્ય મહત્વના હોદ્દેદારોમાં કારોબારી ચેરમેન તરીકે વિકાસ વનેચંદ શાહ (વોર્ડ 4), શાસક પક્ષના નેતા તરીકે મહાવીરસિંહ જાડેજા (વોર્ડ 7) અને દંડક તરીકે હસુમતિબેન ગણપતલાલ સોની (વોર્ડ 4)ની વરણી કરવામાં આવી છે. આ પહેલા ભાજપના નેતાઓ કુલદીપસિંહ જાડેજા અને વિકાસભાઇ રાજગોરે મેન્ડેટ રજૂ કર્યા હતા. બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, માજી પ્રમુખ ઉમેશ સોની સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. નવા ચૂંટાયેલા તમામ હોદ્દેદારોએ રાપરના વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
