અદાણી સંચાલિત GAIMS જી. કે. જન. હોસ્પિ. માં દાઝી ગયેલા દર્દીઓ માટે અતિ આધુનિક પ્લાસ્ટિક સર્જરી અને બર્ન્સ કેર યુનિટ કચ્છની જનતાને  અર્પણ

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં  જરૂરિયાતમંદ લોકો માટે તબક્કાવાર આરોગ્ય સુખાકારી માટે ઊભી કરાતી સગવડોના ભાગરૂપે કચ્છમાં  એકમાત્ર અતિ આધુનિક સુવિધાઓથી સુસજ્જ પ્લાસ્ટિક સર્જરી અનેબર્ન્સ કેર યુનિટ અર્થાત દાઝી ગયેલા દર્દીઓ માટેની સઘન સુવિધા યુક્ત વોર્ડ જનતાને અર્પણ કરવાં આવ્યું છે, જે ૧લી માર્ચથી વિધિવત કાર્યરત બનશે.

અદાણી ફાઉન્ડેશન પ્રેરિત આ સુવિધામાં કચ્છ કોપર અને કચ્છ પેટ્રોકેમ દ્વારા સહયોગ સાંપડ્યો છે.  

જી.કે.જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં  બનાવાયેલા આ એકમને  ખુલ્લો મુકતા  અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર વી.એસ.ગઢવીએ  કહ્યું કે,  કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે ઊભી થયેલી આ સુવિધા દર્દીઓ માટે આશીર્વાદ સમી બની રહેશે. તેમજ દાઝી જવાના ગંભીર બનાવોમાં કચ્છ બહાર જવાના ધક્કાથી દર્દીઓને રાહત મળશે.

અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડો.પંકજ દોશીએ આ યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે સંદેશો આપતા કહ્યું કે, કચ્છ માટે આ યુનિટ સીમાચિહ્ન રૂપ તો બની રહેશે, સાથે કચ્છની આરોગ્ય સુવિધામાં પણ વધારો થશે. આ યુનિટની મુન્દ્રા અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે પણ મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો.મહાલક્ષ્મી પિલ્લાઈએ દરેક સુવિધાની ઝીણવટપૂર્વક  વિગતો આપી હતી.

ગેઈમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ વિગતો આપતા કહ્યું કે, આ બર્ન્સ યુનિટમાં ત્રણ ઓપરેશન થિયેટર છે,જે પૈકી બે મોડ્યુલર કક્ષાના આધુનિક છે, જેમાં બર્ન્સ  અને પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્શન સર્જરી કરાશે, જ્યારે ત્રીજું માઇનોર છે, જ્યાં ડ્રેસિંગ વિગેરે હાથ ધરાશે.આ ઉપરાંત બર્ન્સ વોર્ડ તૈયાર કરાયા છે જેમાં છ અલગ અલગ રૂમ છે.આ રૂમ દર્દીની દાઝવાની તીવ્રતા મુજબ તેમને રાખવામાં આવશે.આ ઉપરાંત નર્સિંગ સ્ટેશન,કાઉન્સેલિંગ રૂમ વિગેરેની સુવિધા પણ છે.

જી.કે.ના ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું કે અત્રેના મોડ્યુલર આધુનિક ઓપરેશન થિયેટરમાં પ્લાસ્ટિક સર્જરીના જટિલ અને પોલિટ્રોમા ઓપરેશન પણ હાથ ધરાશે. 

આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ દીપેશ શ્રોફ,પ્રીતિબેન શ્રોફ,ચૈતન્ય શ્રોફ,અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહ,કિશોર ચાવડા,મુન્દ્રા પેટ્રો કેમિ. ના એચ.આર.હેડ પરીન પંચાલ,જી.કે.ના તબીબો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment