કચ્છના સરહદી વિસ્તાર લખપત તાલુકામાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસનું આવરણ છવાયું હતું. ઝાકળ વર્ષાને કારણે માર્ગો ભીના થયા હતા. આ પરિસ્થિતિમાં વાહન ચાલકોને ખાસ સાવચેતી રાખવી પડી હતી. દયાપર તાલુકા મથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી મોડે સુધી ગાઢ ધુમ્મસનો માહોલ રહ્યો હતો. વાહન ચાલકોએ પોતાના વાહનોની ગતિ નિયંત્રિત કરવી પડી હતી. સલામતી માટે મોડે સુધી વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી.
ધુમ્મસના કારણે વાહનોના કાચ પર ભેજ જામતો હતો. વાહન ચાલકોને વારંવાર વાઇપરનો ઉપયોગ કરવો પડ્યો હતો. દયાપર, ઘડુલી, નાની વિરાણી, દોલતપર, બરંદા, ધારેશી, ફુલરા, માતાનામઢ, વર્માનગર અને પાનધ્રો સહિતના વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળી હતી.
