ગુજરાત રાજ્યનું 2025નું બજેટ ગુરુવારે (20 ફેબ્રુઆરી) નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની લોક સંસ્કૃતિ અને અસ્મિતાનું ગૌરવ વધે તે માટે પણ વિશેષ જાહેરાત કરવામાં આવી છે. પ્રવાસન વિભાગ તેમજ હસ્તકલા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે પણ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અંબાજી સહિતના તીર્થસ્થાનના વિકાસ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
બજેટ રજૂ કરતાં સમયે નાણાંમંત્રીના જણાવ્યા અનુસાર, યુનેસ્કોની વિશ્વના સૌથી 7 સુંદર મ્યુઝિયમની યાદીમાં ભુજના સ્મૃતિવનનો સમાવેશ થયો છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ 2024 દરમિયાન 18 કરોડ 63 લાખ ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પ્રવાસન જેવા રોજગારલક્ષી ક્ષેત્ર વિકસવાથી આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તકો ઊભી થશે. હોટેલ વ્યવસાય, પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં 31 ટકા સુધીના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ 6505 કરોડ સૂચવવામાં આવ્યા છે.
ઇન્ટ્રીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટીનેશન ડૅવલપમેન્ટ હેઠળ મહત્ત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલાં રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 200 એ.સી. બસો સંચાલિત કરવામાં આવશે. આ સિવાય 51 શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિ માઁ અંબાના ધામ અંબાજીના વિકાસ માટે 180 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલિતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારને ઉત્તેજન મળશે.
