ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના મિશનનો આજથી પ્રારંભ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા આજથી તેમના મિશનનો પ્રારંભ કરશે. ત્યારે પાડોશી દેશ બાંગ્લાદેશ સામે જ તેની પહેલી ટક્કર થવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ICC ટુર્નામેન્ટ્સમાં પ્રભુત્વસર રેકોર્ડને આગળ ધપાવવાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરવાના ઈરાદે આજે મેદાનમાં ઉતરશે. 

જ્યારે શાન્તોની આગેવાની હેઠળની બાંગ્લાદેશની ટીમને તેના હાઈપ્રોફાઈલ અને ચઢિયાતા હરિફ સામે અણધારી સફળતાની આશા છે. દુબઈમાં આજે અઢી વાગ્યાથી વન ડે મેચની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં આગવી લય મેળવતા જંગી સ્કોર ખડક્યા હતા. ટીમમાં આ વખતે હાર્દિક પંડ્યાની સાથે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન નક્કી મનાય છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં હોટફેવરિટ મનાય છે. 

ભારતીય બોલિંગ લાઈનઅપમાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું સ્થાન લગભગ નક્કી છે ત્યારે બીજા ફાસ્ટબોલર તરીકે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને ટીમમાં તક મળશે તેવું લાગે છે. જ્યારે તેમની સાથે સ્પિન એટેકમાં કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવી શકે છે. જોકે તેનો હરીફ વરુણ ચક્રવર્થી પણ ટીમમાં સ્થાન માટે હોટ ફેવરિટ મનાય છે. જોકે બીજી બાજુ અક્ષર પટેલ અને જાડેજા જેવા ઓલરાઉન્ડર ટીમ ઈન્ડિયા માટે ઘણા મદદરૂપ થવાના છે. 

ટીમ ઈન્ડિયા સામે મેદાને ઉતરતાં પહેલાં જ બાંગ્લાદેશી કેપ્ટને કહ્યું કે અમને અંડર એસ્ટીમેટ કરવાની જરૂર નથી. અમે કોઈપણ ટીમને હરાવવા માટે સક્ષમ છીએ. હું હરીફ ટીમ વિશે વિચારતો નથી. જો અમે વ્યૂહરચનાને ફોલો કરીશું અને તેનું યોગ્ય રીતે અમલ થશે તો ચોક્કસ જીતીશું. અમારા ફાસ્ટબોલર હાલ ફોર્મમાં છે અને તેનાથી ટીમનો જુસ્સો પણ વધ્યો છે. 

Leave a comment