ભચાઉના વીજપાસરમાં આરોગ્ય સેવાનો શુભારંભ

ભચાઉ તાલુકાના વીજપાસર ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત ધ્યાની સ્વામીના જન્મસ્થળે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રના નિર્માણ માટે મનુભાઈ ઠક્કર પરિવાર દ્વારા ૩૦ લાખ રૂપિયાનું મકાન બનાવવામાં આવ્યું છે, જેમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે આ કેન્દ્ર માટે બે હજાર સ્કવેર ફૂટ જગ્યાની જરૂર છે, જે માટે સરકારી સહયોગ અને દાતાઓનો સાથ મળી રહ્યો છે. રામવાવના વતની અને હાલે ભુજ નિવાસી વેપારી મનુભાઈ ઠક્કર પરિવારે આ સેવાકીય પ્રવૃત્તિ માટે આગળ આવીને મદદ કરી છે.

ધ્યાની સ્વામીના શિષ્ય અને પત્રકાર મનસુખ ઠક્કરે સ્વામીજીના જીવન વિશે માહિતી આપતા જણાવ્યું કે તેમણે મૂળીમાં દીક્ષા લીધી અને ભુજના નરનારાયણ દેવ મંદિરમાં 1985 સુધી સેવા આપી હતી. કચ્છમાં દુકાળ દરમિયાન તેમણે જીવદયા અને માનવસેવાના અનેક કાર્યો કર્યા હતા.

આ આરોગ્ય કેન્દ્રના સંચાલન માટે નિવૃત્ત શિક્ષક ભીખાલાલ જેઠાલાલ ઠક્કરના પરિવાર દ્વારા તેમના પેન્શનમાંથી નિયમિત ખર્ચ ઉઠાવવામાં આવશે. કેન્દ્રમાં આરોગ્ય સેવાઓ ઉપરાંત યુવાનો માટે કોમ્પ્યુટર તાલીમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભવિષ્યમાં અહીં ગૌશાળા પણ શરૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. નારાયણ સિંહ, આરોગ્ય વિભાગના દિપક દરજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment