અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં ૨ દિવસના નવજાત શિશુને બ્લડબેંક દ્વારા તેને બચાવવા જરૂરી વિવિધ રક્તકણ સાથેનું લોહી પૂરું પાડી ઝેરી કમળામાંથી બચાવી લેવાયો હતો.હોસ્પિટલના બાળરોગ વિભાગે નવજાતની સારવાર કરી હતી.
હોસ્પિટલમાં કાર્યરત બ્લડ બેંકના આસિ.પ્રોફે.ડો.સુમન ખોજાએ આ અંગે જણાવ્યું કે,૨ દિ’ના શીશુને બાળરોગ વિભાગમાં પીળા પડી ગયેલા જણાતા શારીરિક લક્ષણ સાથે દાખલ કરી તબીબી પરીક્ષણ કરાવતા સારવાર સાથે ચોક્કસ પ્રકારના લોહીની આવશ્યકતા જણાઈ હતી.
બ્લડ બેંકના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ માતાપિતા અને બાળકના લોહીના ગ્રુપ ચકાસી સારવાર માટે આવશ્યક કણ સાથેનું ૫૦૦ એમ.એલ.લોહી તૈયાર કરી આપી બાળકને અપાયેલું એ લોહી જીવન રક્ષક સાબિત થયું હતું.
જે પ્રકારે કોઈ દાતાનું લોહી બાળકને ઉપયોગી થયું તેમ દરેકનું લોહી માનવ જિંદગીને બચાવી શકે છે.માટે જ્યારે જરૂર પડે અને સામાન્ય સંજોગોમાં પણ બ્લડબેંકને લોહીનું દાન કરવા બ્લડબેંકના વડા ડો.જીજ્ઞાબેન અને કાઉન્સેલર દર્શન રાવલે અનુરોધ કર્યો હતો.
