હૃદય રોગના આમતો અનેક કારણો પણ છે,પરંતુ આનુવંશિકની સાથે અવ્યવસ્થિત જીવનશૈલીએ આ રોગને સીધું નિમંત્રણ આપી દીધું છે.આવા વિકાર સાથે બીજા પણ અનેક કારણો જવાબદાર છે,જેમાં જન્મજાત હૃદય વિકારનો સમાવેશ થાય છે. ભારતમાં અનેક બાળકો જન્મથી જ હૃદય રોગ લઈને પણ જન્મે છે.જેના અનેક કારણો છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના તબીબોએ ૧૪ ફેબ્રુ. ના રોજ ઉજવાતા જન્મજાત હૃદય રોગ જાગૃતિ દિવસ નિમિતે કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ દ્વારા દવાઓનો અયોગ્ય ઉપયોગ, પેઈન કિલર દવાનું વધુ સેવન તેમજ આલ્કોહોલ અને ધૂમ્રપાન ગર્ભમાં બાળકના વિકાસને અસર કરે છે અને ક્યારેક બાળકો હૃદય રોગ લઈને પણ અવતરી શકે છે.
જન્મજાત હૃદય દોષ ઉપરાંત સામાન્ય સંજોગોમાં જો હાઈ બી.પી.,ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી પરેશાની હોય તો વધુ સતર્ક થવાની જરૂર છે. તેમાંય જો માતા પિતાને હૃદય રોગ હોય તો વધુ સાવચેત થવું પડશે.હૃદય રોગ માટે આ મોટું રિસ્ક ફેક્ટર છે.
વકરતા જતા પ્રદૂષણના સમયમાં વધુ સજાગ રહેવાની પણ એટલીજ જરૂર છે.હવે દરેકે સક્રિયતા વધારવાની સાથે ધૂમ્રપાન અને આલ્કોહોલના અનિયંત્રિત ઉપયોગથી પણ દૂર રહેવાની જરૂર છે. સક્રિયતા જો હવે જીવનશૈલીમાં વણી લેવામાં નહીં આવે તો જન્મનાર બાળકને હૃદય રોગની શક્યતા નકારી શકાય નહીં.
આ રોગથી બચવા માટે તબીબોના જણાવ્યા મુજબ,ગર્ભવતી મહિલાઓએ કોઈપણ દવા તબીબોની સલાહ વિના લેવી નહીં.નિયમિત સ્વાસ્થ્ય તપાસ,બી.પી., ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઉપર નિયંત્રણ રાખવું.ઉપરાંત પૂરતી ઊંઘ લેવી, સુગર અને સોલ્ટ ઓછાં લેવા,સ્મોકિંગ અને આલ્કોહોલ તો સદંતર બંધ કરવું. જો આવી કાળજી લેવાય તો સામાન્ય હૃદય રોગથી અને જન્મ જાત હૃદય રોગથી ઘણે અંશે બચી શકાય.
