અદાણી સંચાલિત GAIMS જી.કે.માં મોં,ગળા, કાનના કેન્સરના અત્યાર સુધી અંદાજે ૧૨૦૦ ઓપરેશન થયા

કેન્સર એક એવો કરચલો છે કે, તે જ્યારે પકડે  છે, પછી છોડતો નથી. કેન્સરના આવા દૈત્યને પોષવા માટે કોઈ જવાબદાર હોય તો તે વ્યસન છે. અને ખાસ કરીને તમાકુના વ્યસનને કારણે મો, જીભ અને ગળાના કેન્સર થાય છે. શરીરમાં થતા જુદા જુદા કેન્સર પૈકી એકલા ૬૦ થી ૭૦ ટકા કેન્સર તો હેડ અને નેક સંબંધિત હોય છે.

અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના  ઇએનટી વિભાગના હેડ અને ચીફ મેડિ. સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ ૪થી ફેબ્રુઆરી કેન્સર ડે નિમિત્તે જણાવ્યું કે, ભારતમાં તમામ પ્રકારના કેન્સરમાં ટોચનું સ્થાન કાન નાક અને ગાળાનું છે. ભારતમાં અંદાજે ૩.૫ લાખ લોકો આ કેન્સરનો ભોગ બને છે. જી.કે. જનરલમાં પણ આ જ વિભાગ દ્વારા અત્યાર સુધી લગભગ ૧૨૦૦ જેટલા મોં, જીભ, ગળાના કેન્સરના ઓપરેશન થયા છે. 

કચ્છમાં આવા કેન્સરના ઓપરેશન કરવાની શરૂઆત પણ અત્રેથી ડો.હિરાણી દ્વારા જ કરવામાં આવી છે .મો, જીભ, ગળા,  સ્વરપેટી, લાળગ્રંથિ સહિતના તમામ પ્રકારના ઓપરેશન અત્રે કરવામાં આવ્યા છે,એમ આ વિભાગના તબીબોએ જણાવ્યું હતું.

તબીબોએ કહ્યું કે, તમાકુ જ આનું મુખ્ય કારણ છે .તમાકુ એક એવું ઝેર છે, જે કોઈપણ સ્વરૂપે શરીરમાં  દાખલ થાય, એટલે તે ઝેરના અપલક્ષણો  બતાવે છે. એકલા તમાકુમાં ૨૮ જેટલા કેન્સરના ઝેરી તત્વો છે. જીભ, ગળા, મોઢું, તાળવું તથા ગળાના કેન્સર થવા માટે ૮૦ ટકા કરતાં વધુ કિસ્સામાં તમાકુ  ઉપરાંત સોપારી, દારૂ, વિગેરેના વ્યસનો  પણ એટલા જ જવાબદાર છે. 

અત્રે થયેલા કેન્સરના ઓપરેશનમાં એવું પણ તારણ નીકળ્યું છે કે, રાસાયણિક રીતે પકાવેલા ધન અને ધાન્ય તથા શાકભાજીને કારણે પણ કેન્સરની સંભાવના વધી જાય છે.

આ રોગથી બચવા તમાકુ,દારૂ, ગુટખાનું વ્યસન  છોડી દેવું જરૂરી છે.  તમાકુનું વ્યસન દૂર થઈ જાય તો ૮૦ ટકાથી વધુ કેન્સર અટકાવી શકાય. ક્યારેક માત્ર સોપારી ખાવાથી પણ કેન્સર થઈ શકે છે. સોપારીને  બિન આરોગ્યપ્રદ ગણવામાં આવે છે. તેમાં સોપારી સાથે તમાકુ ભેળવીને ખાવાથી તેનું જોખમ અનેક ઘણું વધી જાય છે.છેવટે  ઓપરેશન  વિકલ્પ બચે છે.  જો આ રોગથી બચવું હોય તો ,વ્યસન ત્યજવું પ્રથમ શરત છે.દરેક ક્ષેત્રે જીવનશૈલી બદલવી પડે,તો જ કેન્સરના કાળીનાગને નાથી શકાય.

Leave a comment