અદાણી સંચાલિત GAIMS જી.કે. જન. હોસ્પિ.ને મેડિ. કોલેજના ચપ્પે – ચપ્પે ૪૫૦ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવી રખાતી બાજ નજર

સી.સી.ટી.વી. કેમેરાનું નામ સાંભળતા જ સચેત બની જાય કે, કોઈ આપણા ઉપર સતત વોચ રાખી રહ્યું છે અને આપણી નાની નાની હરકત કેમેરામાં કેદ થઈ રહી છે. પરિણામે સુરક્ષા ઘણે અંશે ચુસ્ત બની જાય છે. સલામતીની આ તર્જ ઉપર અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ  હોસ્પિટલ અને  મેડિકલ કોલેજમાં તમામ બાજુઓને આવરી લેવા ચપ્પે – ચપ્પે ૪૫૦ કેમેરા ગોઠવવામાં આવ્યા છે જે  પ્રત્યેક  ક્ષણ ઉપર  બાજ નજર રાખે છે.

કંટ્રોલ રૂમના સિક્યુરિટી હેડ અભિષેક જાધવના જણાવ્યા મુજબ આટલી મોટી સંખ્યામાં ત્રીજી આંખ ગોઠવવાનું મુખ્ય પ્રયોજન અત્રે આવતા દર્દી, તેમના બરદાસી, તબીબો, મેડિકલ સ્ટાફ, અદાણી મેડિકલ કોલેજના તમામ છૂટા છવાયા વિસ્તારો, હોસ્ટેલ બ્લોક, ટાઉન શીપમાં સલામતી જડબેસલાક બનાવી દેવાનો છે.

હોસ્પિટલને જોડતો મુખ્ય રોડ સાથેનો હોસ્પિટલનો અંદરના વિસ્તાર સહિત પણ આવરી લેવાતા આ સિસ્ટમ  ભુજ પોલીસને પણ ઉપયોગી સાબિત થઈ રહી છે, જે ગુન્હા શોધવામાં પણ મદદરૂપ થાય છે.

આ કેમેરાથી એક બીજો ફાયદો એ પણ થયો છે કે, અત્રેની સિક્યુરિટી ટીમ સતત ચોવીસ કલાક તેના પર નજર રાખતી હોવાથી ક્યાંય પણ દુર્ઘટના સર્જાય તો કંટ્રોલ રૂમની કેન્દ્રીય એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યાન્વિત થઈ જાય છે અને સામૂહિક ધોરણે જાણ કરાય છે જેથી સંબંધિત ટીમ સાવધ બની ઘટના સ્થળે પહોંચી જાય છે.

આ ઉપરાંત વોકી ટોકી સિસ્ટમ પણ કાર્યાન્વિત હોવાથી સિક્યુરિટી ટીમને વ્યક્તિગત કે સામૂહિક ધોરણે પણ સૂચના આપી શકાય છે.

અત્રેનો કંટ્રોલ રૂમ રાજ્યમાં આવેલી હેલ્થ કેર સિસ્ટમમાં નમુનેદાર હોવાનું ગણાવી સિક્યુરિટી ઓફિસરે કહ્યું કે, હોસ્પિટલમાં ક્યાંય પણ સ્પાર્ક થાય કે આગ લાગે કે તુરત કંટ્રોલ રૂમમાં એલાર્મ વાગે તો ફાયર સિસ્ટમ સહિત તમામ સ્ટાફ સતર્ક બની જાય છે અને ગણતરીની મિનિટમાં જ સ્થળ ઉપર પહોંચી સ્થિતિ ઉપર કાબુ મેળવી શકે છે.

આમ સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ આધુનિક કંટ્રોલ રૂમના કારણે હોસ્પિટલ, કોલેજ અને હોસ્ટેલની  સલામતી વધી છે.

Leave a comment