ગુજરાતમાં ફરીથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે વહેલી સવારે અને રાત્રે જ ઠંડક લાગી રહી છે. જ્યારે બપોરે તો મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થાય જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત ટળી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં સાત દિવસ લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. આ સાથે તેમણે વરસાદ અંગે જણાવ્યું છે કે, રાજ્યમાં કમોસમી માવઠાની શક્યતા નહિવત્ છે. અમદાવાદ અને તેની આસપાસ 24 કલાક તાપમાન સ્વચ્છ રહેશે. આગામી 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવ તો, નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી નીચું 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે ગાંધીનગરમાં 12.5 ડિગ્રી, મહુવામાં 12.6, ડીસામાં 12.6, કેશોદમાં 13.4, અમદાવાદમાં 14.7, વડોદરામાં 16.8 ડિગ્રી અને સુરતમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અગાઉના તાપમાન કરતા લધુતમ તાપમાનમાં 1.2 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી. જોકે, વરસાદની સિસ્ટમ નબળી પડતા શિયાળામાં માવઠાની આફત ટળી છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વહેલી સવારે અને રાતે ઠંડક લાગે છે અને બપોરે ગરમી પડી રહી છે. જેના કારણે ગુજરાતીઓને ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.
