બજેટ પૂર્વે સળંગ ચોથા દિવસે શેરબજારમાં તેજી

નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આવતીકાલે રજૂ થનારા બજેટ પૂર્વે આજે રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં સકારાત્મક ગ્રોથ અંદાજના કારણે શેરબજારને વેગ મળ્યો છે. આ બજેટમાં રોજગારી અને મધ્યમવર્ગ પર ફોકસ થવાની અપેક્ષા સાથે દેશના ગ્રોથલક્ષી નિર્ણયો લેવાની શક્યતાઓ જોવા મળી છે. જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટી સળંગ ચોથા દિવસે સુધર્યા છે.

સેન્સેક્સ આજે ઈન્ટ્રા ડે 846.15 પોઈન્ટ ઉછળી 77605.96ની ટોચે પહોંચ્યા બાદ અંતે 813.16 પોઈન્ટ સુધરી 77572.97 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 258.90 પોઈન્ટ ઉછળી 23508.40 પર બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડીમાં 6 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 800 પોઈન્ટ સુધી ઉછળ્યા હતા. એકંદરે માર્કેટ આજે ગ્રીન ઝોનમાં બંધ રહ્યુ હતું.

આવતીકાલે રજૂ થનારા બજેટમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ ફાળવણી તેમજ જીડીપી ગ્રોથ કેન્દ્રીત સુધારાઓ અમલમાં મૂકે તેવી શક્યતાઓ સાથે બીએસઈ ખાતે પાવર, રિયાલ્ટી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળ્યા હતા. કેપિટલ ગુડ્સ 3.89 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 2.77 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો.

આજે સરકારી કંપનીઓના શેરોમાં મોટાપાયે ખરીદી જોવા મળી હતી. પીએસયુ સેગમેન્ટમાં બેન્ક ઓફ બરોડા, આઈટીઆઈ, અને એમઆરપીએલ સિવાય તમામ 60 શેરો 3થી 9 ટકા સુધી ઉછળ્યા હતા. જેમાં ઈરકોન 9.35 ટકા, આરવીએનએલ 9.01 ટકા, BEML 8.60 ટકા, એનબીસીસી 7.14 ટકા, જીઆરએસઈ 6.92 ટકા ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યો હતો. આ પીએસયુ ઈન્ડેક્સ 2.59 ટકા ઉછાળી 18391.93 પર બંધ રહ્યો હતો.

નબળી માગ-રૂપિયો અને વૈશ્વિક અનિશ્ચિતતાના પગલે માર્કેટ સેન્ટિમેન્ટ નકારાત્મક છે. શેરબજાર ઓવરસોલ્ડ કંડિશનમાં છે. નિફ્ટી તેના પીક પરથી 10.7 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે કેપેક્સ ટાર્ગેટ 11.1 લાખ કરોડ થયો છે. જે 10-12 ટકા ઘટવાનો અંદાજ છે. ડોલર સામે રૂપિયો સ્થિર રાખવા આરબીઆઈએ બેન્કોમાં 600 અબજ રૂપિયા ઠાલવ્યા છે. જે રૂપિયાને વધુ તૂટતો અટકાવી શકે છે.

Leave a comment