ગાંધીધામમાં ટ્રાફિક પોલીસ અને NGOના સંયુક્ત પ્રયાસે માર્ગ સલામતી માટે વિશેષ આયોજન

ગાંધીધામમાં 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સીટી ટ્રાફિક પોલીસે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલી અને જુપીટર ફાઉન્ડેશન સાથે મળીને શહેરની ઝોન ચોકી ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું.

વાહન અકસ્માતો ઘટાડવાના ઉમદા હેતુથી યોજાયેલા આ કેમ્પમાં ડૉ. સુનિતા દેવનાની સહિત અનેક તજજ્ઞોએ સેવાઓ આપી હતી. જેમાં પ્રદીપ ભાનુશાલી, ભારતી માખીજાણી, પિન્કી બાગરેચા, પ્રિયા ચૌધરી, કક્ષા વોરા, હેમા ગોલાની, પૂજા ગલાની અને દીપેન જોડ જેવા સામાજિક કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

કેમ્પમાં ટ્રક ચાલકો અને અન્ય વાહન ચાલકોની વિના મૂલ્યે આંખોની તપાસ કરવામાં આવી હતી. જે લોકોને ચશ્માંની જરૂર જણાઈ તેમને વિનામૂલ્યે ચશ્માં પણ આપવામાં આવ્યા હતા. કુલ 150 જેટલા વાહન ચાલકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પહેલથી માર્ગ સુરક્ષા વધારવામાં અને અકસ્માતો ઘટાડવામાં મદદ મળશે તેવી આશા સેવાઈ રહી છે.

Leave a comment