મુંબઈ હુમલાના આરોપી તહવ્વુરને NIA ભારત લાવશે

મુંબઈ હુમલા (26/11)ના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ ટૂંક સમયમાં અમેરિકા જઈ શકે છે. અહેવાલો અનુસાર NIAની ટીમમાં ઈન્સ્પેક્ટર જનરલ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારીઓ હશે, જેઓ આ મહિને એટલે કે આગામી 1-2 દિવસમાં અમેરિકા જશે.

આ અંગેની માહિતી ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને આપવામાં આવી છે. ગયા અઠવાડિયે અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. ચુકાદા બાદ ભારતીય સત્તાવાળાઓએ રાણાને ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી.

તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને લશ્કર-એ-તૈયબાને સમર્થન આપવા બદલ યુએસમાં દોષિત ઠરાવવામાં આવ્યો હતો.

13 નવેમ્બર 2024ના રોજ રાણાએ નીચલી કોર્ટના પ્રત્યાર્પણના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેને સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરીએ ફગાવી દીધી. યુએસ સુપ્રીમ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

રાણા માટે પ્રત્યાર્પણ ટાળવાની આ છેલ્લી તક હતી. અગાઉ તેણે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. યુએસ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે.

મુંબઈ હુમલાની 405 પાનાની ચાર્જશીટમાં રાણાના નામનો પણ આરોપી તરીકે ઉલ્લેખ છે. આ મુજબ રાણા ISI અને લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. ચાર્જશીટ મુજબ રાણા હુમલાના મુખ્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી રહ્યો હતો.

26 નવેમ્બર 2008એ લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીએ મુંબઈ પર હુમલો કર્યો હતો.

આ હુમલાઓ લિયોપોલ્ડ કાફે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, તાજમહેલ હોટલ પેલેસ, ઓબેરોય ટ્રાઇડેન્ટ, કામા હોસ્પિટલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ પર કરવામાં આવ્યા હતા.

હુમલામાં AK-47, IED, RDX અને ગ્રેનેડનો ઉપયોગ કરાયો હતો. બોમ્બવિસ્ફોટ, માસ શૂટિંગ અને લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

આ હુમલામાં 166 લોકોનાં મોત થયાં હતાં અને 300 લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા લોકોમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ હતા.

આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં NSG, મરીન કમાન્ડો ફોર્સ, મુંબઈ પોલીસ, RAF, CRPF, મુંબઈ ફાયરબ્રિગેડ અને રેલવે ફોર્સે ભાગ લીધો હતો.

અજમલ કસાબની ધરપકડ કરવામાં આવી હતી. તેને 2012માં ફાંસી આપવામાં આવી હતી.

મુંબઈ પોલીસની ચાર્જશીટ મુજબ રાણા ભારત આવ્યા બાદ હુમલાની જગ્યા અને રહેવાની જગ્યાઓ જણાવવામાં આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો. રાણાએ જ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી, જેના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો.

રાણા અને હેડલીએ આતંકવાદી ષડ્યંત્ર રચ્યું હતું. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ હુમલાના ષડયંત્રની યોજનામાં રાણાની મોટી ભૂમિકા હતી.

Leave a comment